જિલ્લા કોંગ્રેસની આવી ચડતા રસ્તો નીકળ્યો:14 દિવસના ધરણા બાદ અંજાર પાલિકાએ લેખિતમાં બાહેધરી આપતા વિપક્ષના પારણા

અંજાર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 6 દિવસથી અન્નનો ત્યાગ છતાં કઈ ફરક જ ન પડ્યો

અંજાર શહેરના વિવિધ પ્રશ્નોને લઇ ધરણાં પર બેઠેલા અંજાર નગરપાલિકાના વિરોધપક્ષ નેતાની તમામ શરતો માની નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખ દ્વારા પારણાં કરવામાં આવ્યા હતા.

આ અંગે મળતી માહિતી મુજબ અંજાર નગરપાલિકાના વિરોધપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા વિવિધ 15 જેટલા મુદ્દાઓ પર નગરપાલિકા પાસેથી લેખિત જવાબ માંગવામાં આવ્યો હતો. પરંતુ પાલિકાએ વિપક્ષને દાદ ન આપતા તે ધરણા પર બેસી ગયા હતા. તેમ છતાં લેખિત આપવાની સ્પષ્ટ ના પાડી દેવામાં આવતા 6 દિવસ પહેલા રાજેન્દ્રસિંહે અન્નનો પણ ત્યાગ કરી દીધો હતો.

તેમ છતાં પાલિકા ટસથી મસ થઇ ન હતી. જે બાદ સોશ્યલ મીડિયા અને સમાચાર માધ્યમોમાં આ સમાચાર ફરતા થતા જિલ્લા કોંગ્રેસના મોવાડીયા અંજાર પહોચી આવ્યા હતા અને પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સાથે લાંબી ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન પણ લેખિત બાહેધરી આપવાની ના પાડવામાં આવી હતી. પરંતુ હાઇકોર્ટેમાં જવાની અને ઓફિસને તાળાબંધી કરી દેવાની ધમકી આપવામાં આવતા આખરી ચીફ ઓફિસર વતીથી લેખિત બાહેધરી આપવામાં આવી હતી.

જે બાદ વિપક્ષ ધરણા પરથી ઉઠવા બાબતે રાજી થતા પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ અને ચીફ ઓફિસર દ્વારા પારણા કરાવવામાં આવ્યા હતા. આ વેળાએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશભાઈ દરજી, તાલુકા પંચાયત વિરોધપક્ષ નેતા યુવરાજસિંહ જાડેજા, જીલ્લા કોંગ્રેસના મહામંત્રી અરજણભાઇ ખાટરિયા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ કરસન રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

14 દિવસ બાદ જિલ્લા પ્રમુખે મુલાકાત લેતા આશ્ચર્ય
સામાન્ય રીતે જે સ્થળે વિપક્ષ દ્વારા ધરણા યોજવામાં આવતા હોય છે તે સ્થળે જિલ્લા પ્રમુખ દ્વારા બીજા કે ત્રીજા જ દિવસે પોતાની પાર્ટીના કાર્યકરને પ્રોત્સાહન આપવા રૂબરૂ મુલાકાત લેવામાં આવતી હોય છે. પરંતુ અંજાર શહેરમાં એકમાત્ર સીટ એવી છે, જે કોંગ્રેસના ફાળે ગઈ છે. જે કોંગ્રેસના પ્રતિનિધિ દ્વારા ખુબ સારી રીતે લોકોના પ્રશ્નો પણ ઉપાડવામાં આવે છે. છતાં 14 દિવસ વીતી ગયા ઉપરાંત અન્ન છોડ્યાના 6 દિવસ નીકળી ગયા હોવા છતાં જિલ્લા પ્રમુખ અંજાર ન પહોચતા આશ્ચર્ય ફેલાયું હતું.

અન્ય સમાચારો પણ છે...