કાર્યવાહી:રતનાલમાં મોનિટરિંગ સેલના દરોડા બાદ અંજારના 4 હેડ કોન્સ્ટેબલો વિરુદ્ધ કાર્યવાહી

અંજારએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંજારમાંથી તાત્કાલિક છુટા કરવા હુકમ, વિલંબ થાય તો થાણા અધિકારી સામે પગલાં
  • સજાના ભાગ રૂપે છેવાડાના બાલાસર અને ખડીર પો.સ્ટે.માં બદલી કરાઇ

અંજાર તાલુકાના રતનાલ ગામે સ્ટેટ મોનીટરીંગ સેલે જુગાર ક્લબ પર દરોડો પાડી કાર્યવાહી કર્યા બાદ અંજાર પોલીસ મથકના 4 હેડ કોન્સ્ટેબલો પર ગાજ વરસી હતી અને સજાના ભાગ રૂપે છેવાડાના વિસ્તારોમાં પૂર્વ કચ્છ એસ.પી. દ્વારા બદલી કરી નાખવામાં આવી હતી. સોમવારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા અંજાર તાલુકાના રતનાલ ગામે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી જુગાર ક્લબ પર દરોડો પાડવામાં આવ્યો હતો.

જે દરોડામાં 7 ઈસમોને રૂ. 43 હજારની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરોડા બાદ અંજાર પોલીસ મથકના ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ પર પૂર્વ કચ્છ એસ.પી.ની ગાજ વરસી હતી અને તાત્કાલિક અસરથી છુટા કરી બદલી વાળા પોલીસ મથકે હાજર થવાના કડક હુકમ સાથે રાજકુમાર ગગુનરામ અને પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહને ખડીર અને સંજયકુમાર અમૃતલાલ તથા દિગ્વિજયસિંહ મહાવીરસિંહની બાલાસર પોલીસ સ્ટેશન ખાતે સજાના ભાગ રૂપે બદલી કરી નાખવામાં આવી હતી.

એસપીએ હુકમમાં સ્પષ્ટ જણાવ્યું કે, સંદેશ મળ્યા બાદ તાત્કાલિક ધોરણ કર્મચારીઓને છૂટા કરી દેવાના રહેશે અને જો વિલંબ થશે તો થાણા ઇન્ચાર્જને ઉપરી અધિકારીના હુકમના અનાદર બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરાશે. ઉલ્લેખનીય છે કે અંજાર વિસ્તાર માંથી છેલ્લા કેટલાક સમયથી એસ.ઓ.જી. સહિતની ટીમો દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ગાંજા અને જુગાર જેવી ગુન્હાહિત પ્રવૃતિઓ પર દરોડો પાડી અંજાર પોલીસની નિષ્ક્રિયતા છતી કરી છે ત્યારે ડી સ્ટાફમાં ફરજ બજાવતા કર્મચારીઓનો ભોગ લેવાતા અંજાર પોલીસ મથકમાં ફરજ બજાવતા અન્ય પોલીસ કર્મીઓમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...