સરહદ ડેરી તરીકે ઓળખાતી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ કચ્છના મતદાન મંડળ 1થી 11 માંથી વ્યવસ્થાપક સમિતિના સભ્યોની આગામી 6 જૂને ચૂંટણી યોજાવાની છે. જે ચૂંટણીના અનુસંધાને ફોર્મ ભરવાનો શનિવારે અંતિમ દિવસ હોવાથી ઉમેદવારી નોંધાવવા માટે ધમધમાટ જોવા મળ્યો હતો. જેમાં દિવસના અંતે મહિલા ઉમેદવારો સહીત કુલ 12 લોકોએ ફોર્મ ભર્યા હતા.
આ અંગે મળતી વિગતો મુજબ અંજાર પ્રાંત કચેરી મધ્યે પ્રાંત અધિકારી દેસાઈ સમક્ષ ઉમેદવારી પત્રો શનિવારે રજૂ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે આગામી 23મીએ ઉમેદવારી પત્રોની ચકાસણી અને તે બાદ માન્ય ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. 25મીએ ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ હોવાથી 26મીએ હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જે બાદ 6/6ના ચૂંટણીનો જંગ જામશે.
આ ચુંટણીમાં ઉમેદવાર તરીકે અંજારના સંઘડથી મહિલા ઉમેદવાર ધનુંબેન સામજીભાઈ મકવાણા, ભુજના રાયધણપરથી શાંતાબેન રમેશભાઈ આહિર, અંજારના ચાંદ્રાણીથી વલમજીભાઈ હુંબલ, અબડાસાના મોથાળાથી જેસાભાઈ દેવશીભાઈ રબારી, ભુજના સરલીથી વિશ્રામભાઈ પ્રેમજીભાઈ રાબડીયા, ભચાઉના અમરાપરથી નારાણભાઈ મેરામણભાઈ ઢીલા, ગાંધીધામના અંતરજાળથી ગોવિંદભાઈ નારાણભાઈ બવા, મુન્દ્રાના ભદ્રેશ્વરથી ધર્મેદ્રસિંહ જાડેજા, માંડવીના મસ્કાથી મયુર જેન્તીલાલ મોતા, નખત્રાણાના વિગોડીથી દયારામ લધાભાઈ કાલરીયા, લખપતના દયાપરથી હસમુખભાઈ દેવજીભાઈ પટેલ અને રાપરના પલાસવાથી ભરવાડ મોતીભાઈ વજાભાઈએ ઉમેદવારી પત્ર ભર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.