અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં આવેલી ઓધવ પાર્ક લેન્ડ સામે એકટીવા સવાર 17 વર્ષીય યુવતીને ટ્રક ચાલકે પાછળના ભાગેથી ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું. મૃતક યુવતી વિધાનસભા અધ્યક્ષા નીમાબેન આચાર્યની કૌટુંબિક પૌત્રી હોવાથી મોટી સંખ્યામાં લોકો અંજારની સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
આ બનવા અંગે મળતી માહિતી મુજબ આ બનાવ સોમવારે સાંજે બન્યો હતો. જેમાં વરસામેડીના રિવેરા એલીગેન્થ ખાતે રહેતી 17 વર્ષીય સ્નેહા મહેશભાઈ આચાર્ય પોતાની એકટીવા લઇ ઘરેથી વરસામેડી તરફ જઈ રહી હતી ત્યારે ઓધવપાર્ક લેન્ડ સામે પહોચતા પોતાની એક્ટિવાથી ઓવરટેક કરી ટર્ન લઇ રહી હતી ત્યારે પાછળથી આવેલી રહેલી ટ્રક નં. જીજે 12 બીટી 8771ના ચાલકે પાછળથી તેને ટક્કર મારી હતી. આ ટક્કરમાં મૃતક યુવતીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા માથું ફાટી ગયું હતું અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું.
મૃતક યુવતી વિધાનસભાના સ્પીકર અને ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યની કૌટુંબિક પૌત્રી હોવાથી રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો અંજારની હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. જ્યાં યુવતીના મૃતદેહનું પી.એમ. સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ મોડી રાત સુધી અંજાર પોલીસે ફરિયાદ નોંધવા માટેની તજવીજ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.