અંજાર તાલુકાના વરસાણા ગામે ગત તા. 28/5 લગ્ન પ્રસંગે લાઈટ કાપવા મુદ્દે થયેલી સામસામે મારામારીના બનાવમાં એક પક્ષે હત્યાના પ્રયાસ સંદર્ભેની ફરિયાદ નોંધાવ્યા બાદ હવે સમા પક્ષે ક્રોસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હુમલાના આ બનાવ અંગે અંજાર પોલીસ મથકેથી 28 વર્ષીય શક્તિસિંહ ઉર્ફે રાજદીપસિંહ જેઠુભા વાઘેલાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 28/5ના આરોપી અનિરુધ્ધસિંહ હેતુભા જાડેજા, દેવરાજસિંહ હરીસિંહ જાડેજા, માલદેવસિંહ હરીસિંહ જાડેજા, મયુરસિંહ હરીસિંહ જાડેજા, કુલદીપસિંહ મહિપતસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ હેતુભા જાડેજા, કૃપાલસિંહ દીલુભા જાડેજા અને હરીસિંહ શીવુભા ભાણજી જાડેજાએ તારા પરિવારના સભ્યોએ અમે અમે કહીએ તે મુજબ જ તમારે કરવું પડશે તેવું કહી ધરિયા અને ધોકા વડે ફરિયાદીના પરિવાર પર હુમલો કરી દીધો હતો.
જેમાં ફરીયાદીને માથાના ભાગે ધારિયાનો ઘા લગતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફરિયાદીના પરિવારના 6 સભ્યોને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ ઝઘડામાં 13 લોકોએ તલવાર સહિતના હથિયારો સાથે હુમલો કરતા માલદેવસિંહને ગંભીર ઈજાઓ પહોંચતા હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદ બાદ ફરિયાદી દ્વારા સોમવારે ક્રોસ ફરીયાદ દાખલ કરાવવામાં આવી હતી.પંથકમાં અવાર નવાર બનતા નાના મોટા હુમલાઓના પગલે લોકોમાં ચિંતા સાથે ભયની લાગણી પણ જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.