અકસ્માત:સામખિયાળી-મોરબી હાઇવે પર સરકારી બસમાં ટ્રેઇલર ચાલકે પાછળથી અકસ્માત કરતા મહિલાઓ સહીત 4 મુસાફરો ઘાયલ

અંજાર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોરદાર ટક્કર લગતા એસટી બસ આગળના ટ્રેઇલર સાથે અથડાઈ, બસમાં પણ નુકસાન

સામખિયાળી-મોરબી હાઇવે પર શિકારપુર ત્રણ રસ્તાથી થોડું દૂર માર્ગ પર સરકારી બસના પાછળથી ટ્રેઇલર ચાલકે અકસ્માત કરતા 4 મુસાફરો ઘાયલ થયા હતા. બનાવ અંગે સામખિયાળી પોલીસ મથકેથી જખૌ સોલ્ટથી જામનગર સલાયા વચ્ચે ચાલતી એસ.ટી. બસના ચાલક રૂડાભાઈ મકવાણાની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ તા. 9/5ના રાત્રે ફરિયાદી જખૌ સોલ્ટથી જામનગર સલાયા તરફ જતા હતા ત્યારે રાત્રે 11-30 વાગ્યાના અરસામાં સામખિયાળી-મોરબી હાઇવે પર શિકારપુર ત્રણ રસ્તા નજીક ખીમા બાપા હોટલ નજીક પહોંચ્યા હતા.

હાઇવે પર કામ ચાલતું હોવાથી ટ્રેઇલર પાછળ સરકારી બસ ચાલી રહી હતી. ત્યારે અચાનક આગળ જતા ટ્રેઇલરના ચાલકે બ્રેક મારતા ફરિયાદીએ પણ બ્રેક લગાવ્યા હતા. જેના કારણે પાછળથી પુર ઝડપે આવી રહેલા ટ્રેઇલરના ચાલકે બસના ઠાઠામાં જોરદાર ટક્કર મારી હતી. જેથી બસ આગળના ટ્રેઇલરમાં અથડાઈ હતી.

આ અકસ્માતમાં બસના આગળના કાચ અને ઠાઠામાં નુકસાન થયું હતું અને બસમાં સવાર જગદીશ શંકરલાલ, મણીબેન લીલાધર, માયાબેન વસંતલાલને છોલછામની ઈજા તથા વિમળાબેન જેરામની બત્રીસીમાં લગતા 3 દાંત પડી ગયા હતા. જે અકસ્માત બાદ ઘાયલ થયેલા મુસાફરોને 108ની મદદથી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અને અન્ય મુસાફરોને બીજી બસમાં બેસાડીની ફરજ પડી હતી. જે બનાવ અંગે ફરિયાદીએ સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...