અંજાર તાલુકાના વરસાણા ગામની સીમમાં ઈ-રિક્ષા કંપનીના પાર્કિંગમાં એક ઈ-રીક્ષાની બેટરીમાં ધડાકો થતા આગ ફાટી નીકળી હતી. જે જોતજોતામાં અન્ય રીક્ષાઓમાં પણ આગ ફેલાઈ જતા કુલ નવી નકોર 27 ઈ-રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી. જેના કારણે કુલ રૂ. 30 લાખનું નુકસાન થયું હતું.
આ અંગે અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ શનિવારે રવિવારે રાત્રે ત્રણ વાગ્યે આ ઘટના બની હતી. જેમાં અંજાર તાલુકાના વરસાણા ગામની સીમમાં અગ્રવાલ રાઈડર્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર યશ અગ્રવાલ દ્વારા સ.નં. 208/1 વાળી જમીન જે શંભુભાઈ ઝરૂનું ખેતર છે, તેમાં બાઉન્ડ્રી વોલ બનાવીને કંપનીના પાર્કિંગ માટે જમીન ભાડે રાખી છે. રાત્રિના ત્રણ વાગ્યે કંપનીના સિક્યુરિટી ગાર્ડે મેનેજર ધર્મેન્દ્રસિંહ પરબતસિંહ જાડેજાને ફોન કર્યો હતો કે બેટરીમાં ધડાકો થવાથી ઈ-રીક્ષામાં આગ લાગી છે.
જેથી મેનેજર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને જોયું હતું કે, 27 ઈ-રિક્ષા બળી ગઈ હતી. આ આગના બનાવ બાદ તેના પર કાબુ મેળવવા માટે કંડલા ટીમ્બર એસો.ના પડાણા ફાયર બ્રિગેડ માણસો આવી પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પરંતુ આગ કાબુમાં આવે તે પહેલા 27 ઈ-રીક્ષાઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આગના કારણે બળી ગયેલી 27 ઈ-રીક્ષાની કિંમત રૂ. 30 લાખ દર્શાવવામાં આવી છે. બનાવ બાદ કંપનીના મેનેજરે સમગ્ર મામલાની જાણ અંજાર પોલીસ સ્ટેશનમાં કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
એક્સપર્ટ વ્યુ - બેટરી ઓવર ચાર્જ થઇ જવાથી આવી ઘટનાઓ બને છે
પર્યાવરણ બચાવવા તથા પેટ્રોલ-ડિઝલના વધતા ભાવના લીધે અનેક વાહનો બેટરી સંચાલિત કરવામાં આવ્યા છે. પરંતુ ઘણી એવી ઘટનાઓ બની છે, જેમાં બેટરી વાળા વાહનોમાં બ્લાસ્ટ થવાથી વાહન સળગી ઉઠ્યું છે. ત્યારે આ બાબતની વધુ જાણકારી મેળવવા દિવ્ય ભાસ્કરની ટીમે અંજારમાં બેટરીના વ્યવસાય સાથે સંકળાયેલા વિનયભાઈ ઠક્કરનો સંપર્ક સાધ્યો હતો, જેમાં તેમણે પોતાનો મંતવ્ય આપતા જણાવ્યું હતું કે, બેટરી વાળા વાહનમાં ચાર્જિંગ સમયે ઓટો કટ થઈ જશે તેવો દાવો કરવામાં આવે છે પરંતુ તેવું થતું નથી.
જેના કારણે મોટા ભાગના બનાવોમાં જ્યારે વાહન ચાર્જિંગમાં રાખવામાં આવે છે ત્યારે ઓવર ચાર્જ થઇ જવાના કારણે બેટરીમાં બ્લાસ્ટ થઇ જતો હોય છે. આ ઉપરાંત ઘણી વખત એવું પણ બને છે કે વાહન ઉભું હોય ત્યારે તેમાં શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણોસર સ્પાર્ક થાય છે અને તે સ્પાર્કના કારણે બેટરીના વાયરો આપસમાં સંપર્કમાં આવી જવાના કારણે બેટરી બ્લાસ્ટ થઇ જતી હોય છે. જેથી ઉભેલા વાહનોમાં આગ ફાટી નીકળવાના બનાવો બનતા હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.