પોલીસને પડકાર:24 કલાક ગાર્ડની હાજરી ધરાવતી અંજારની તિજોરી કચેરીમાંથી ચાંદીના દાગીના અને રોકડ સહિત 24.11 લાખની તસ્કરી

અંજાર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • RTO ની 23.57 લાખ રોકડ ભરેલી પેટી,મામલતદારના કચેરીના ઘરેણા સાથે વજન વાળા તાળા પણ સાથે લઇ ગયા, બનાવ બાદ ગાર્ડ ગુમ

સામાન્ય રીતે ઘર, દુકાન, ઓફીસમાં ચોરી થતી રહે છે પરંતુ હવે જ્યાં 24 કલાક ગાર્ડની હાજરી હોય છે તેવી અંજારની તિજોરી કચેરીમાં ચોરી થવાનો બનાવ સામે આવતા ચકચાર પ્રસરી છે. જ્યાંથી ગાર્ડ અવર-જવર કરે છે તે સ્થળેથી અંદર પ્રવેશી વજન વાળા તાળા ખોલી અનેક પેટીઓ પૈકીની જેમાં નાણા અને દાગીના જ હતા તેવી માત્ર 2 પેટીઓના નકુચા તોડી રોકડ અને દાગીના મળી કુલ રૂ. 24.11 લાખની ચોરીને અંજામ આપવાનો બનાવ સામે આવતા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ અંગે અંજાર પોલીસ મથકેથી અંજાર સ્થિત પેટા તિજોરી કચેરીના અધિકારી દર્શનાબેન વિશાલકુમાર વૈધની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ અંજારની પેટા ટ્રેઝરી કચેરીમાં જુદી જુદી સરકારી કચેરીના વેલ્યુએબલ આર્ટિકલ બોક્સ, નાણા પેટી, ચૂંટણી પેટી વગેરે સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. જેથી રાબેતા મુજબ તા. 4/8ના પણ અંજાર RTO કચેરીની કેસ પેટી સહિત વિવિધ પેટીઓ સ્ટ્રોંગ રૂમમાં સલામત રાખી હતી અને બહાર ગાર્ડ તરીકે પ્રવીણભાઈ સારંગભાઈ હાજર હતા.

બીજા દિવસે તા. 5/8 સવારે 11 વાગ્યે RTO કચેરીના કર્મચારીઓ પોતાની નાણાં ભરેલી પેટી લેવા આવ્યા ત્યારે ફરિયાદી તેમના સાથે પેટી લેવા ગયા તે દરમ્યાન સ્ટ્રોંગ રૂમની સીલની દોરી કપાયેલી હતી અને દરવાજાથી ભાર મારવામાં આવેલા તાળા પણ જોવા મળ્યા ન હતા. RTO કચેરીની કેસ બોક્સના નકુચા પણ તૂટેલા હતા અને તેમાં રાખેલા રોકડા રૂ. 23,56,925 પણ ન હતા. જે બાદ વધુ તપાસ કરતા મામલતદાર કચેરી દ્વારા જમા કરાવવામાં આવેલા આર્ટિકલ બોક્સનો પણ નકુચો તૂટેલો હતો.

જેમાંથી રૂ. 55 હજારની કિંમતના 1000 ગ્રામ વજનના 136 નંગ ચાંદીના જુદા જુદા દાગીના પણ ચોરી ગયા હતા. જે બાદ પોલીસને બોલાવી તપાસ કરવામાં આવતા તિજોરી ગાર્ડનો પ્રવેશરૂમનો દરવાજો બહારથી બંધ હતો અને તે સમયે ગાર્ડ પણ હાજર મળ્યો ન હતો. જો કે કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા RTO કચેરીના રોકડા રૂ. 23,56,925, મામલતદાર કચેરી દ્વારા રાખવામાં આવેલા રૂ. 55,000ની કિમતના ચાંદીના મળી કુલ રૂ. 24,11,925ની ચોરી થઇ હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

કામનું ભારણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરાવશે
ટ્રેઝરી કચેરીમાં 2 શિફ્ટમાં 24 કલાક માટે પોલીસ જવાન રાખવામાં આવે છે પરંતુ મહેકમની અછત અને અન્ય કારણોસર એકમાત્ર પોલીસ જવાનને 24 કલાક માટે ટ્રેઝરી કચેરીની રખેવાળી કરવાની જવાબદારી આપવામાં આવી હતી. આ ઉપરાંત પણ દિવસના ભાગમાં સમન્સ બજાવવા સહિતની કામગીરી સોપવામાં આવતી હોય તે અલગ આટલા બધા કામો વચ્ચે જે સમયે પોલીસ ગાર્ડ હાજર ન હતો તે સમયે જ ચોરીને અંજામ આપવામાં આવતા કામગીરીનો ભારણ હવે ફજરમાં બેદરકારી બન્યો છે અને આ બેદરકારી હવે તેનો ભગ લેશે તેવું પોલીસ સૂત્રએ જણાવ્યું હતું.

આ બનાવને અંજામ કોઈ જાણભેદુએ જ આપ્યો હોવાની શંકા
આ અંગે પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગાર્ડ જે સમયે ન હતો તે સમયે જ ચોરી કરવામાં આવી છે, વળી તાળા કટર વડે કાપી લઇ ગયા હોવાનું પણ પ્રાથમિક તારણમાં સામે આવ્યું છે, ઘણી બધી પેટીઓ હોવા છતાં જેમાં નાણા અને દાગીના હતા માત્ર તે 2 પેટીઓણે જ તોડવામાં આવી છે, જેના પરથી કોઈ જાણભેદુએ આ ઘટનાણે અંજામ આપ્યો છે અથવા તો ચોરી માટેની ટીપ આપી હોવાની શંકાઓ ઉત્પન્ન થઇ છે.

પેટા તિજોરી કચેરીમાં એક પણ CCTV કેમેરા નથી
અંજાર પ્રાંત કચેરીના પ્રાંગણમાં જ આવેલી ટ્રેઝરી કચેરી જેમાં દરરોજ સરકારી લાખોની કિંમતના નાણા અને મહત્વના દસ્તાવેજો રાખવામાં આવે છે અને પોલીસ દ્વારા પણ રખેવાળી માટે 24 કલાક ગાર્ડ રાખવામાં આવે છે. આટલી મહત્વની કચેરી હોવા છતાં ત્યાં એક પણ CCTV કેમેરો રાખવામાં ન આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...