અબડાસા તાલુકાના સમંડાના સીમાડામાં વન્યજીવનો બંદૂકના ભડાકે શિકાર કરાયો છે,પશ્ચિમ કચ્છ વનવિભાગે લોહીના નમૂના અેફઅેસઅેલ માટે મોકલ્યા છે. અબડાસા તાલુકાના સમંડાના સીમાડામાં જડોદર જતા કાચા માર્ગ પર આ બનાવ બન્યો હતો. સરપંચ ભરતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બ્લેક સ્કોર્પિયોમાં આવેલા શખ્સોએ બંદૂકથી શિકાર કર્યો છે.
સમગ્ર ઘટના મુદ્દે વનવિભાગને જાણ કરતા વનવિભાગે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જો કે સ્થાનિકોએ ગાડીના નંબર સહિતની વિગતો વનતંત્રને સુપરત કરી છે. નલિયા ઉત્તર રેન્જ ફોરેસ્ટ ઓફિસર અજયસિંહ સોલંકીએ જણાવ્યું કે, જડોદર જતા કાચા રસ્તા મહેસૂલી જમીન વિસ્તારમાં આ શિકારની ઘટના ધ્યાને આવી છે, જો કે કયું પ્રાણી હતું તે સહિતની વિગતો જાણવા તપાસ હાથ ધરાઈ છે.
બીજીતરફ સાક્ષીના નિવેદન નોંધવા સહિતની પ્રક્રિયા હાથ ધરાઈ છે. અબડાસા વન્યસંપદાથી સમૃદ્ધ વિસ્તાર છે, ત્યારે રાત્રીના સમયે નિર્દોષ વન્યપ્રાણીઓના શિકારથી વ્યથિત થયેલા લોકોએ વનવિભાગનો મોડી રાત્રે સંપર્ક કરતા રાતભર સુધી ઘટનાના મૂળ સુધી પહોંચવા વનવિભાગે સતત પેટ્રોલિંગ કર્યું હતું અને મહત્વપૂર્ણ કડીઓ મેળવી હતી. અા બાબતે પશ્ચિમ કચ્છ વનવિભાગના નાયબ વનસંરક્ષક યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે, આ કેસમાં અમે ઝીણવટભરી તપાસ હાથ ધરી રહ્યા છીએ. ઘટનાસ્થળે મળેલા લોહીના નમૂના એકત્ર કરી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી અપાયા છે. બીજીતરફ સ્થાનિક તંત્ર દ્વારા દરેક મુદ્દે તપાસ હાથ ધરાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.