સમસ્યા:ઠાસરાના વોર્ડનં.3માં તળાવનું પાણી ફરી વળતાં સ્થાનિક રહીશો ઘરોમાં કેદ

ઠાસરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાંસ વિભાગ, મહી સિંચાઇ અનેપાલિકાએ​​​​​​​ અમારું કામ નથી તેમ કહી હાથ ઉંચા કર્યા

મોટે ભાગ રસ્તા પર ચોમાસાને કારણે પાણી ભરાતા જોવા મળે છે ત્યારે ઠાસરામાં તળાવના પાણી વોર્ડ.3માં ભરાતા રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. જોકે તંત્રને આ બાબતે જાણ કરવામાં આવતા અમારા વિભાગનું કામ નથી તેમ જણાવી હાથ ઉંચા કરી દેવામાં આવ્યા હતા. જેને કારણે વિસ્તારના રહિશોનો સૂડી વચ્ચે સોપારી જેવો હાલ થવા પામ્યો હતો. ઠાસરાના વોર્ડનં.3માં તળાવનું પાણી ભરાઈ જવાને કારણે વિસ્તારના લોકોને ઘરની બહાર જવા માટે હેરાન થવાનો વારો આવ્યો હતો. પાણી ભરાઇ જવાને કારણે શાળાએ જતા ભૂલકોઓને ઢીંચણ સમા પાણીમાં પસાર થવા મજબૂર થયા હતા.

સમગ્ર બાબતે તંત્રને જાણ કરવામાં આવતા કાંસ વિભાગ, મહી સિંચાઇ તેમજ ઠાસરા નગરપાલિકાએ હાથ અધ્ધર કરી દેતા વિસ્તારના વૃદ્ધો તથા મહિલાઓને ઘરના બહાર નીકળવામાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. ઉપરાંતવિસ્તારમાં બળીયાદેવ ઝુપડપટ્ટીમાં પાણી ભરાઈ જતા રહેતા ફેરીયાઓને હાલાકી ભોગવવી પડી હતી. આ બાબતે તંત્ર દ્વારા કોઇ પ્રકારનો ઉકેલ ન આવતા રહિશો દ્વારા તંત્ર એકબીજા પર જવાબદારી ન નાખતા સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરી હતી.

અમારા વિભાગમાં નથી આવતું
તળાવનું પાણી ફરી વળવાની ઘટના અમારા વિભાગ આવતી નથી. તેમ છતાં ચીફ ઓફિસર સાથે ચર્ચા કરીને યોગ્ય નિકાલ લાવીશું. - હેમેન્દ્ર પટેલ, પ્રમુખ, પાલિકા, ઠાસરા.

અમારી હદમાં કાંસની સફાઈ
કાંસની સફાઇનો જે એરીયા અમારા ઠાસરા વિભાગમાં આવતો હતો, તેની અમારા દ્વારા કોન્ટ્રાકટર દ્વારા સફાઈ થઈ ગઈ છે. - નિરવ માધુ, ઓફિસર, કાંસ વિભાગ, નડિયાદ.

અમારી જવાબદારી નથી
વોર્ડનં.3માં તળાવનું પાણી મહી સિંચાઈ માંથી છોડવામાં આવ્યું નથી. જેને કારણે આ પાણી બાબતે અમારી જવાબદારી આવતી નથી. - યુવરાજસિંહ ગોહિલ, કર્મચારી, મહી સિચાઇ.

અન્ય સમાચારો પણ છે...