ગોટાનું નામ સાંભળો એટલે તમારા મોઢે ડાકોર આવી જ જાય. ભગવાન દ્વારકાધીશ પોતે ભક્ત બોડાણાના ગાડામાં બેસીને છેલ્લે જ્યાં પધાર્યા હતા એ તીર્થધામ એટલે ડાકોર. મિની દ્વારકા ગણાતા ડાકોરમાં આવો અને રણછોડજીનાં દર્શન કરો એટલે ગમે તેવી મોટી જાત્રા સંપન્ન થઈ ગણાય. હવે ડાકોરના ઠાકોરનાં દર્શન કરીને બહાર નીકળે અને પગ આપોઆપ ગોમતીઘાટ તરફ ના ઊપડે તો જ નવાઈ. અહીં તમને એક અનેરી સોડમ ચુંબકની જેમ ખેંચી જશે અને આ સોડમ છે ગોમતીઘાટના બાપાલાલ મગનલાલના ગોટાની.. ડાકોરના ગોટાનો ચટાકો ન માણો તો ડાકોરની તમારી જાત્રા અધૂરી ગણાય એવું પણ ગોટાપ્રેમીઓ કહે છે. બજારમાં પણ બાપાલાલ ગોટાવાળાના બોર્ડથી ઘણી ગોટાની દુકાનો ફેમસ છે. અહીંયાં રોજબરોજ હજારો અને વાર-તહેવારે લાખો લોકો દર્શન કરી ગોટાનો ચટાકો માણવા આવે છે. તેમાં પણ શનિ-રવિવારની રજાના સમયમાં તેમજ પૂનમે ગોટા ખાવા લોકોની પડાપડી રહે છે. આડા દિવસે પણ એટલી જ ભીડ હોય છે.
રણછોડરાયનાં દર્શન બાદ બીજો લહાવો એટલે ગોટા!
ગુજરાતભરમાંથી અસંખ્ય શ્રદ્ધાળુઓ અહીંયાં ડાકોરના ઠાકોરનાં દર્શને આવે છે અને પ્રસાદ ગ્રહણ કરી ગોટા દહીંનો ચટાકો ખાવા પહોંચી જાય છે. બજારમાં ગોમતી ઘાટ પાસે આવેલ બાપાલાલ ગોટાવાળાને ત્યાં પહોંચી ગોટા અને દહીંની જ્યાફત માણે છે. મહત્ત્વની વાત એ કહી શકાય કે, આ ગોટા સાથે કોઈ ચટણી આપવામાં આવતી નથી. માત્ર દહીં સેટ થતું હોવાથી બાજુની દુકાનમાંથી દહીં લઈ સ્વાદ રસિકો આ ગોટા અને દહીંની લિજ્જત માણે છે. આ એક એવા ગોટા છે જે દૂધમાં બને છે અને ખવાય છે દહીં સાથે.
ગોટાના લોટમાં દૂધ, ચૂરમો અને ચણાની દાળ
ચટણી ન હોવા છતાં પણ આ ગોટા ખાવા લોકો પડાપડી કરે છે. સવારથી જ મોડી રાત સુધી આ ગોટાની જિયાફત માણવા લોકોની ભીડ જોવા મળે છે. આ ગોટાના લોટમાં દૂધ નાખવામાં આવે છે, ચૂરમો હોય છે ચણાની દાળ હોય છે. અહીંયાં મળતો ગોટાનો લોટ દેશ-વિદેશમાં વસતા લોકો લઈ જાય છે. આ ઉપરાંત ગુજરાત અને બહારનાં રાજ્યના સ્વાદપ્રેમી લોકો પણ લઈ જાય છે. લોટમાં કઈ રીતે ખીરુ બનાવવાની રીત પણ પેકેટ પર લખવામાં આવે છે.
4 ગોટા ખાવ તો પણ પેટ તૃપ્ત થઇ જાય
30 રૂપિયાના ગોટા લઈ તેને 10 રૂપિયાના દહીં સાથે ખાવ તો તમારે 200 રૂપિયાની થાળી ખાવાની જરૂર પડતી નથી. 4 ગોટા ખાવ તો પણ તમારું પેટ તૃપ્ત થઇ જાય છે. અહીયાં દહીં ગોટા ખાવાની એક પ્રથા છે. બાપાલાલ ગોટાવાળાની અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસે AC દુકાન આવેલી છે. ત્યાં પણ આ જ ટેસ્ટ જોવા મળે છે.
આજે પાંચમી અને છઠ્ઠી પેઢીએ ગોટા બનાવે છે
બાપાલાલ મગનલાલ ગોટાવાલાની 5મી પેઢી પર બેઠેલા વિનોદભાઈ જણાવે છે કે, હું આ પાંચમી પેઢી પર બેઠો છું. મારો દીકરો છઠ્ઠી પેઢીએ છે. વર્ષ 1871થી અમારા વડવાઓએ ગોટાની શરૂઆત કરી હતી. અમે મૂળ વતન ઓડના છે, ડાકોર આવ્યા અને ગોટાનો ધંધો ચાલુ કર્યો છે. દૂધના ગોટા બનાવવાનું કારણ એ હતું કે વર્ષો પહેલાં શ્રદ્ધાળુ અહીંયાં આવે તો બહારનું જમતા પણ ન હતા, નાસ્તાની વાત તો દૂર રહી, આથી અમે આ ગોટાના લોટમાં દૂધ મિશ્રણ કરતા હતા જેના કારણે આ એક પ્રસાદી બની ગઈ છે.
ગોટાનું પડ જે છે એ સ્પેશિયલ ઘીના ચૂરમાનું બને
5મી પેઢીથી ચાલતા આ ગોટાના બિઝનેસ દુર્લભદાસ સુખડિયાએ સ્થાપના કરી હતી. આ બાદ ગીરધરદાસ, આ પછી ગોરધનદાસ, આ પછી વલ્લભદાસ આ પછી મગનલાલ અને એ પછી બાપાલાલ આ બાદ હું પોતે વિનોદભાઈ છું. મારો દીકરો રાજ ડોક્ટર છે તથા મારો ભત્રીજો મનન સુખડિયા પણ અમદાવાદ દુકાન ધરાવે છે. આ ગોટા 160 રૂપિયા 500 ગ્રામ મળે છે. તો ગોટાનું પડ જે છે એ સ્પેશિયલ ઘીના ચૂરમાનું બને છે. આ ઉપરાંત ગોટાના ખીરામા દૂધ, ચણાનો લોટ, મસાલા હોય છે માટે સ્વાદિષ્ટ હોય છે.
ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઈઝ નથી કરતા
લોકો આવે તો છેવટે 100 ગ્રામ પણ ગોટા પ્રસાદરૂપે પણ ખાય છે. છેલ્લાં આઠ વર્ષથી અમદાવાદમાં પણ અમે દુકાન ચાલુ કરી છે. ત્યાં અમારા નાના ભાઈનો દીકરો બેસે છે. અમારી પેઢી ક્વોલિટી પર જીતે છે. ક્યાંય પણ ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઈઝ નથી કરતાં અને આથી જ આજે આ ગોટાનો સ્વાદ લોકોના દાઢે વળગી રહ્યો છે.
નવી આઈટમ બહાર પાડી ગોટા કચોરી
હું 16 વર્ષનો હતો ત્યારથી જ અહીંયાં એક ધાર્યો બેસી રહ્યો છું. આજે લગભગ 52થી 54 વર્ષ થઈ ગયાં જેથી ગોટા લેવા આવતા ગ્રાહકો સાથે એક પારિવારિક સંબંધ બંધાઈ ગયો છે. અમે તાજેતરમાં જ એક નવી આઈટમ બહાર પાડી છે જેનું નામ છે ગોટા કચોરી. આ લગભગ ત્રણ ચાર મહિના સુધી બગડતી નથી અને આની ખૂબ સારી માંગ બજારમાં જોવા મળે છે.
દહીં અને ગોટાનું કોમ્બિનેશન
વધુમાં તેઓ જણાવ્યું હતું કે દરેક ભજિયાની અંદર કઢી હોય છે પણ અમારી આ આઈટમ એવી છે કે, કઢી કામ ન લાગે દહીં જોડે સેટ થયેલી છે. દહીં ન હોય તો લોકો ગોટા ન ખાય અને દહીં અને ગોટાનું કોમ્બિનેશન જ છે. ઘણા લોકો દહીં ન ખાય તો મરચાં અમે આપીએ છીએ તે દહીંની ગરજ પૂરી પાડે છે.
ગોમતી ઘાટે બેસી ગોટા ખાઈને પરત ઘરે જઈએ
સુરતના રહેવાસી અને છેલ્લાં લગભગ 43 વર્ષથી સતત અગિયારસે આવતાં સ્નેહલતાબેન જણાવે છે કે, હું 22 વર્ષની હતી ત્યારથી અહીંયાં ગોટા ખાવા આવું છું. આટલું પૂરતું નથી પરંતુ અમે ગોટાનો તૈયાર લોટ પણ લઈ જઈએ છીએ. આખા ડાકોર નહીં પણ ગુજરાતમાં ક્યાં આ ગોટા જેવો સ્વાદ નથી મળતો. હું જ્યારે પણ પૂનમ ભરવા કે અગિયારસ ભરવા આવું ત્યારે અવશ્ય અહીંયાં આવી ગરમા ગરમ ગોટાની જિયાફત માણીએ છીએ. સાથે જ ગોમતી ઘાટ નજીક હોવાથી કોઈક સમય તો ગોમતીના કિનારે બેસી ગોટા ખાઈને પરત ઘર તરફ પ્રયાણ કરીએ છીએ.
ગોટાનો લોટ પણ પેક કરીને લઈ જઈએ છીએ
ગોટાના શોખીન વર્ષાબેન ભગત જણાવે છે કે, હું છેલ્લાં 14 વર્ષથી ડાકોર આવું છું અને અમે અહીંયાં દર્શન કર્યાં પછી ગરમા ગરમ ગોટા ખાઈએ છે. તો ક્યારેક પરિવારના સભ્યો માટે તૈયાર ગોટાનો લોટ પણ પેક કરીને લઈ જઈએ છીએ. ગોટા અને દહીં ખાવાની મજા જ કંઈક અલગ છે.
આ ગોટાનો સ્વાદ ચાખવા લોકો દૂર દૂરથી સ્પેશિયલ આવે છે
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાથી આવેલી મહિલાએ જણાવ્યું હતું કે, જગપ્રસિદ્ધ ડાકોરમાં જેમ રણછોડરાયના દૂર દૂરથી દર્શન કરવા આવે છે તે જ રીતે આ ગોટાનો સ્વાદ ચાખવા લોકો દૂર દૂરથી સ્પેશિયલ આવે છે. બાપાલાલના ગોટા એટલે રણછોડરાયની પ્રસાદી કહેવાય છે. અહીંયાં ગોટા ખાઈને દર્શન કરી આનંદ મેળવાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.