બે અકસ્માતમાં પાંચ જિંદગી છિનવાઈ:નડિયાદ-ડાકોર રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે ત્રણ યુવકોના અને ગોબલેજ પાસે ઈનોવા પલટી જતા બે લોકોના મોત

નડિયાદ23 દિવસ પહેલા
  • હેલિપેડ ગ્રાઉન્ડ પાસે ત્રણ યુવકોને અડફેટે લઈ અજાણ્યા વાહનનો ચાલક ફરાર

ખેડા જિલ્લામાં આજે બે અલગ અલગ અકસ્માતની ઘટનામાં પાંચ લોકોના મોત નિપજ્યા છે. નડિયાદ-ડાકોર રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. જ્યારે ગોબલેજ પાસે ઈનોવા કાર પલટી જતા કારમાં સવાર બે લોકોના મોત નિપજ્યા છે. પોલીસ દ્વારા બંને ગુનામાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત
નડિયાદમાં હિટ એન્ડ રનના બનાવમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા છે. નડિયાદમા ડાકોર રોડ પર અજાણ્યા વાહને મોટરસાયકલને ટક્કર મારતા ચાલક સહિત ત્રણ ઈસમોના અકાળે મોત નિપજ્યા છે. પોલીસે ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રવિવારની સમી સાંજે નડિયાદમા ડાકોર રોડ પર આવેલ હેલીપેડ ગ્રાઉન્ડ નજીક પસાર થઇ રહેલ મોટર સાયકલને અજાણ્યા કોઈ વાહને ટક્કર મારી ફરાર થયો છે. મોટરસાયકલ ચાલક સહિત પાછળ બેઠેલ અન્ય બે યુવકો મળી કુલ ત્રણ યુવકો મોટરસાયકલ સાથે રોડ ઉપર પટકાયા હતા. જેના કારણે આ ત્રણેય લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. રોડ ઉપર જ લોહીના ખાબોચીયા ભરાયા હતા. ગંભીર ઇજાઓ થતા આ ત્રણે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.

અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા વળ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં મૃત્યુ પામનાર આ ત્રણેય યુવકો ક્યાંના હતા અને ક્યાં જઈ રહ્યા હતા તે દિશામાં પોલીસે કામગીરી આરંભી છે.

મૃતક યુવાનોના નામ
બારૈયા રણછોડભાઈ પુનમભાઈ (રહે.સણસોલી, તા.મહેમદાવાદ)
રાવળ રણજીતભાઈ રાજુભાઇ (રહે.સણસોલી, તા.મહેમદાવાદ)
પરમાર મીતુલભાઈ (રહે.ભાઈજીપુરા, ડભાણ, તા.નડિયાદ)

ઓવરટેક કરવા જતા ઈનોવા પલટી, બે લોકોના મોત
ખેડા પાસેથી પસાર થતા હાઇવે પર અમદાવાદ ગ્રામ્ય પાર્સિંગની કારને અકસ્માત નડ્યો છે. ગોબલેજ ગામ પાસે કારચાલકે આગળ જતાં વાહનને ઓવરટેક કરવા જતા પોતાની ઈનોવા કારને ડીવાઇડર સાથે અથડાવી કારને પલ્ટી ખવડાવી હતી. આ અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા છે. ઘટના સંદર્ભે ખેડા ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં આજે ઈનોવા કાર નંબર (GJ 27 BZ 7475) પસાર થઇ રહી હતી આ દરમિયાન કારચાલક જૈયદુલ અમાન યાકુબભાઈ તમીઝે પોતાની કાર પૂરઝડપે અને બેફિકરાઈથી હંકારી આગળ જતાં કોઈ વાહનને ઓવરટેક કરવા ગયા હતા. આ દરમિયાન કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા આ કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. બાદમાં કાર રોડ ઉપર પલટી ખાઈ ગઈ હતી.

આ ગમખ્વાર અકસ્માતમાં કાર ચાલકને ઇજા પહોંચી છે પરંતુ કારમાં બેઠેલા અયામ અસલમભાઈ ગફૂરજી અને કામરન ઈમ્તિયાઝ પાદનજીવાલા (બન્ને રહે.શાહઆલમ, અમદાવાદ)ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ પૈકી આયન ગફુરજીનુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે કામરન પાદનજીવાલાનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં કારમાં સવાર અન્ય લોકોને પણ ઈજાઓ પહોંચી હતી. આ ઘટના સંદર્ભે મોહીદ મહેબુબભાઈ તમીઝે ખેડા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...