વેઠ ઉતાર કામગીરી:ખેડામાં મહિના પહેલાં બનાવેલો રોડ તૂટી જતાં રાતોરાત થીંગડા મારી દીધાં

ખેડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જૂનો રોડ સારો હોવા છતાં તોડી નાંખી નવો બનાવાયો હતો
  • 10.47 લાખના ખર્ચે બનાવેલ પાલિકાના આર.સી.સી. રોડમાં ઠેર ઠેર ખાડા પડ્યા

ખેડા નગરપાલિકાની કામગીરીમાં કેટલાક સમયથી લાલિયાવાડી જોવા મળી રહે છે. નગરપાલિકા વિસ્તારમાં બનતા રસ્તા ટેન્ડરમાં દર્શાવેલ ગુણવત્તા મુજબ ન બની રહ્યા હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. તાજેતર માં ખેડા કેમ્પ, ખેડા ભાઠામાં રસ્તાને ગુણવત્તાને લઈને નાગરિકોએ સવાલો ઉઠાવ્યા હતા. ત્યારે હવે નગરપાલિકા ભવન પાસે એક મહિના અગાઉ બનાવવામાં આવેલ આર.સી.સી રોડ તુટી જતા થીગડા મારવાની નોબત આવી છે.

માહિતી મુજબ ખેડા નગરપાલિકાની બહાર એક મહિના અગાઉ જૂનો આર.સી.સી રસ્તો રાતોરાત તોડી નાખી અને પાલિકા ભવન પાસેથી નવીન રસ્તો બનાવવાની કામગીરી કરાઈ હતી. જે આર.સી.સી.નું કામ દિવાળી પહેલા પૂર્ણ કરાયું હતું. પરંતુ દેવ દિવાળી સુધીમાં તો નવા બનેલા આર.સી.સી.રોડ ઉપર ખાડા પડી જવાથી જવાબદાર એજન્સી એ બુધવારે રાતે તૂટેલ રોડ પર રાતોરાત થીગડા મારવાની જરૂર પડી હતી હતી. પાલિકા ભવન પાસે કરવામાં આવેલ કામનું નગરપાલિકામાં જાવક નંબર 37 તારીખ 7 એપ્રિલ 2022 ના રોજ વર્ક ઓર્ડર આપેલો હતો.

જેમાં જણાવ્યું હતું કે 14માં નાણાપંચની 2019-20 ની ગ્રાન્ટ માંથી રૂ.10.47 લાખના ખર્ચે કામ મંજૂર થયું હતું. આ કામ છ માસની સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું હતું, પણ એજન્સી દ્વારા આ કામ વર્ક ઓર્ડર આપ્યા પછી પાંચ મહિના પછી શરૂ કર્યું અને કામમાં વેઠ ઉતારતા આર.સી.સી રોડ માં માત્ર એક જ મહિનામાં ખાડાઓ પડી ગયા હતા.

ચીફ ઓફિસરનું એક જ રટણ, રોડ બન્યા પછી તુરંત વાહનો પસાર થતા રોડ તૂટે છે
ખેડા નગરપાલિકા ચીફ ઓફિસર ભદ્રેશ પટેલે આ અંગે જણાવ્યું હતું કે રોડ બન્યા પછી તુરંત સાધનોની અવાર-જવર ચાલુ હોવાથી રોડ તૂટી જાય છે. જેને લઈને કેમિકલ પ્રોસેસ કરાવી છે. મહત્વની વાત છેકે અગાઉ ખેડા કેમ્પમાં પણ નવો રોડ બનાવ્યો ત્યારે પણ તેઓએ વાહનોની અવરજવર હોવાથી રોડ તૂટી જાય છે તેવા બહાના બતાવ્યા હતા. ત્યારે રોડ બનાવ્યા બાદ થોડો સમય રોડ બંધ કેમ નથી કરાવતા તે પ્રશ્ન છે.

અન્ય સમાચારો પણ છે...