'હરતુંફરતું રસોડું':ભૂખ્યા લોકોની એક જ આશ, રાજકોટનાં આશાબેન આવશે ને અમને ખવડાવશે, કોરોનાકાળથી ચાલુ છે 'ભૂખ્યાને ભોજન'ની સેવા

નડિયાદ2 મહિનો પહેલાલેખક: સિદ્ધાંત મહંત
  • વડતાલથી આશીર્વાદ લઈ નડિયાદમાં ભૂખ્યાને ભોજન'કરાવ્યું

સેવાનગરી નડિયાદમાં રાજકોટની એક સામાજિક મહિલાએ હરતુંફરતું રસોડાની સેવાનો લાભ આપ્યો હતો. આ મહિલાએ નડિયાદના વડતાલથી આશીર્વાદ લઈ નડિયાદમાં 'ભૂખ્યાને ભોજન' કરાવ્યુ હતું. રાજકોટની આ મહિલા જ્યાં ભૂખ્યો જડે ત્યાં અન્ન બનાવી પીરસે છે. વાનમાં અન્નની તમામ સામગ્રી લઈને ફરે છે, જેથી એને હરતુંફરતું રસોડાની સેવાથી કેટલાક લોકો ઓળખી રહ્યા છે.

સ્લમ વિસ્તારોમાં ભૂખ્યાને ભોજન કરાવ્યું
રાજકોટનાં એક સામાજિક કાર્યકરે ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે સ્લમ વિસ્તારોમાં ભૂખ્યાને ભોજન કરાવ્યું હતું. કોરોનાકાળથી રાજકોટ જિલ્લાના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં વસવાટ કરતાં બાળકોને તેઓ દરરોજ 2 ટાઈમ જમવાનું આપે છે. આ સેવા હાલ પણ ચાલુ છે. ત્યારે નડિયાદમાં પણ તેમણે મુલાકાત લઈ આ સેવાનો લાભ આપ્યો હતો.

રોજ 2 ટંકનું જમવાનું પહોંચાડે છે
રાજકોટ ખાતે રહેતાં આશાબેન પટેલનાં સ્વજનો વિદેશમાં સ્થાયી થયેલાં છે. આ ઉપરાંત તેમના હજારો ચાહકો સોશિયલ મીડિયામાં છે. તેઓ પોતાના મિત્રો અને સ્વજનોના સહયોગથી ભંડોળ એકત્રિત કરી કોરોનાકાળ શરૂ થયા બાદ ભોજન સેવા આપી રહ્યા છે. રાજકોટના સ્લમ વિસ્તારોનાં બાળકોને રોજ 2 ટંકનું જમવાનું પહોંચાડી રહ્યાં છે. અત્યારસુધી તેમની આ સેવા સર્વ સમાજ સેના શ્રીજી ટ્રસ્ટ હેઠળ 'ભૂખ્યાને ભોજન' નામથી ચાલતી હતી.

એક વિશેષ ગાડી તૈયાર કરી
રાજકોટ બાદ તેમણે કચ્છ(ભુજ)માં પણ આ સેવા શરૂ કરતાં સેવાનું નામ બદલી 'હરતુંફરતું અન્નક્ષેત્ર' કર્યું છે. આ માટે તેમણે એક વિશેષ ગાડી તૈયાર કરી છે, જેમાં અંદર જ આખું રસોડું અને અનાજ સહિતનો સામાન રાખવામાં આવ્યો છે અને રસ્તામાં ક્યાંય પણ ભૂખ્યો જડે તેને ગરમાગરમ રસોઈ બનાવી પીરસે છે. વડતાલ મંદિરેથી આશીર્વાદ લઈ તેમણે ખેડા જિલ્લામાં પ્રવેશ કર્યો હતો અને નડિયાદના સંત અન્ના ચોકડી નજીક આવેલા સાંઈબાબાનગર વિસ્તારમાં આ સેવા લઈ પહોંચ્યા હતા, જ્યાં બાળકોને ભરપેટ રોટલી-શાક, શીરો અને ફરાળ કરાવ્યા હતા. તેમની આ સેવા જોઈ વિસ્તારના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, હવે આશાબેન નડિયાદમાં આ સેવા શરૂ કરે તેવા સંકેત તેમણે આપ્યા છે. ત્યારે મહિલા તરીકે તેમણે આ અનોખી સેવા શરૂ કરતાં વધુ એક પ્રેરણારૂપ કિસ્સો સામે આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...