કાર્યવાહી:રઢુ ગામના કિશોરનો મૃતદેહ 24 કલાકે મહેલજની સીમમાંથી મળ્યો

ખેડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નદીમાં પશુઓને પાણી પીવડાવવા જતાં પગ લપસતાં ઘટના ઘટી હતી

ખેડાના રઢુ ગામની સીમમાંથી પસાર થતી વાત્રક નદીમાં ગામના કાંઠે ગામના 17 વર્ષીય કિશોર આકસ્મિક રીતે પડી જતાં તેનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડ અને ગામના લોકોની ભારે શોધખોળ બાદ 24 કલાક બાદ કિશોરનો મૃતદેહ ખેડાના મહેલજ ગામની સીમમાંથી ગુરુવારે બપોરે મળી આવ્યો હતો.

17 વર્ષીય કિશોર નદીના પ્રવાહમાં તણાતાં ગામના સ્થાનિકોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નદીમાં પાણી વધુ હોવાથી કિશોર આગળ નીકળી ગયો હતો. ગામના સરપંચ અજિતભાઈ વાઘેલા જણાવ્યું હતું કે બુધવારે બપોરે રઢુ ગામમાં રહેતા 17 વર્ષીય કિશોર મયુર વિઠ્ઠલભાઈ સોલંકી પશુઓને ચરાવવા તેના ખેતરમાં ગયો હતો અને પછી નદી કાંઠે પશુઓને પાણી પીવડાવવા જતા મયુરનો પગ નદીમાં લપસતા આકસ્મિક રીતે તે પાણીના પ્રવાહમાં તણાયો હતો. કિશોરની શોધખોળ કરવા માટે સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી હતી.

પરંતુ કિશોરનો મૃતદેહ મળ્યો ન હતો. 24 કલાક બાદ ગુરુવારે સવારથી ફરી નદીમાં ગામના તરવૈયા અને ફાયર બ્રિગેડ ટીમ દ્વારા શોધખોળ આદરી કિશોરના મૃતદેહ બપોરે મહેલજ ગામની સિમ બાજુથી શોધી બહાર કાઢવામાં આવ્યો છે. મૃતક કિશોરને માતર હોસ્પિટલમાં પી એમ કરવા માટે મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે માતર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...