વૈશાખમાં સૂર્ય નારાયણ પોતાનો અસલ મિજાજ બતાવી રહ્યા છે. તાપમાનનો પારો વધી રહ્યો છે ત્યારે આવામાં કેટલાક શ્રમજીવીઓ ઉઘાડપગે હાથલારી કે રેંકડી ખેંચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર બન્યા છે. ત્યારે નડિયાદની ત્રણ સિનિયર સિટીઝનની સંસ્થાઓએ આવા લોકોની વહારે આવવા હાથ લંબાવ્યો છે. સાથે સાથે જરૂરીયાતમંદ લોકોને શોધી શોધીને નિ:શુલ્ક પગરખા વિતરણ કરવાનું બીડું ઝડપ્યું છે.
ખેડા જિલ્લામાં વધતી જતી ગરમીના કારણે ઉડતા પંખીઓ પણ હીટસ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે. તો બીજી બાજુ હોસ્પિટલોમાં હીટસ્ટ્રોકના ભોગ બનનારના કેસો પણ વધતા જાય છે. ત્યારે નડિયાદમાં સિનિયર સિટીઝન માટે કાર્યરત ત્રણ જુદી-જુદી સંસ્થાઓ ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ ખેડા જિલ્લો, સિનિયર સિટીઝન કાઉન્સિલ અને વ્યસ્ક યુગલ મંડળ જરૂરિયાતમંદોની વહારે આવ્યા છે. આ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે જન સેવા એજ પ્રભુ સેવાના ઉદ્દેશથી વિનામૂલ્યે પગરખાં વિતરણની સેવા અપાઈ છે.
નડિયાદના ચકલાસી ભાગોળ ખાતે આવેલા વિઠ્ઠલના વિસામા ખાતે ગઈકાલે શનિવારે પગરખાં વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્થાના પ્રમુખ ભાસ્કરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભુપેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, ધીરુભાઈ શાહ, શૈલેષભાઈ શાહ, દીપકભાઈ દેસાઈ, નવીનભાઈ બ્રહ્મભટ્ટ, હિતેશભાઈ દેસાઈ, રાજુભાઈ બ્રહ્મભટ્ટ, મનુભાઈ રાઠોડ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. અંદાજીત 410 જોડીનુ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.