સેવાની નગરીમાં વધુ એક સેવાનો પ્રારંભ:નડિયાદમાં 'પ્રભુજીનું ઘર' સેવા શરૂ કરાઈ, સ્નાન, ભોજન અને આરામની નિઃશુલ્ક સેવા એક જ છત નીચે મળશે

નડિયાદએક મહિનો પહેલા
  • નડિયાદ ખાતે નાના કુંભનાથ રોડ પર બી.એલ ભટ્ટ હોસ્પિટલ સામે પ્રભુજીનું ઘર શરૂ કરાયું
  • વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ, વસો દ્વારા નિ:શુલ્ક સેવાનો પ્રારંભ થયો

સાક્ષરનગરી તરીકે ઓળખાતું નડિયાદ નગર હાલ સેવાકીય નગર તરીકે જાણીતું બન્યું છે. કહેવાય છે કે નડિયાદમાં રહેતો વ્યક્તિ ભુખ્યો ઉઠે ખરો પણ કોઈ વ્યક્તિ ભૂખ્યો સુતો નથી. ત્યારે આવી સેવાઓમાં વધુ એક સેવાનું મોરપીંછુ ઉમેરાયું છે. વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ, વસો દ્વારા નડિયાદ ખાતે નાના કુંભનાથ રોડ પર બી.એલ ભટ્ટ હોસ્પિટલ સામે પ્રભુજીનું ઘર શરૂ કરવામાં આવ્યું છે.

સમાજની મુખ્ય ધારામાંથી વિખૂટા પડી ગયેલા જરુરીયાત મંદ લોકો સાથે સારો વ્યવહાર, સંપર્ક અને પુનઃ જીવન તરફ ઝુકાવ થાય તે દિશામાં સેવાકીય પ્રવૃત્તિ કરનારી આ સંસ્થા વિસામો સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ, વસો દ્વારા આ અનોખી સેવાનો પ્રારંભ થયો છે. જેમાં આ 'પ્રભુજીનું ઘર'માં જરુરિયાતમંદ લોકો બે ઘડી આરામ કરી શકે તે હેતુસર આ સેવા ચાલુ કરવામાં આવી છે.

અહિંયા તેઓ આરામ કરી શકે તે માટે ટ્રસ્ટના પ્રમુખ રાકેશ પંચાલ દ્વારા પ્રાથમિક તબક્કે 5 પલંગની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. 4 રૂમોમાં પંખા નીચે પલંગ મુકવામાં આવ્યા છે. ખાસ કરીને વૃદ્ધ લોકો માટે જ આ સેવા શરૂ થઇ છે. તો વળી મહત્વની બાબત એ છે કે અહીંયા આ સંસ્થા દ્વારા જરૂરીયાતમંદોને વાળ તથા દાઢી નિઃશુલ્ક કરીને શરીર સ્વચ્છતાનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે.

આજે ગુરૂવારે આ સેવાને ખુલ્લી મુકવામાં આવી છે. આ પ્રસંગે આનંદ આશ્રમના મુદિતાવંદનાનંદજી સ્વામી, ટ્રસ્ટના પ્રમુખ રાકેશ પંચાલ, રૂણ વિશ્વ જ્યોતના પ્રમુખ હરીભાઈ પટેલ, ડો કે.પી.રાજભારતી, સામાજિક કાર્યકર ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ, સામાજિક કાર્યકર કાંતિભાઈ શર્મા, અરવિંદભાઈ સોની, દમયંતિબેન પટેલ, શિલ્પાબેન પંચાલ, સેવા સાથે સંકળાયેલા પાર્થ રાવળ, અરવિંદભાઈ રાજપૂત વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.

નોંધનીય છે કે આ સંસ્થા હેઠળ ચાલતી વિવિધ સેવાઓમાં જોઈએ તો, ચણ સેવા, વસ્ત્ર સેવા, સુખડી સેવા, વિસામો કિટ સેવા, આધાર સેવા, ટીફીન સેવા જે મુખ્ય છે, આ નિ:સહાય વૃદ્ધ વડીલો માટે ઘરેબેઠા નિ:શુલ્ક સેવા છે. આકસ્મિક સેવા સહિતની સેવાનો પણ તેમાં સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...