નડિયાદ તાલુકાના ચકલાસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ઉત્તરસંડામાંથી મોટા પ્રમાણમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો છે. બુટલેગરે ગીરે લીધેલ ખેતરમાં દારૂનો વેપલો કરી રહ્યો હતો. પોલીસે આ બનાવમાં મુખ્ય આરોપી સાથે ઇંગ્લીશ દારૂનો જથ્થો તથા 1 કાર મળી 2.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં ક્યાં પહોંચાડવામાં આવતો હોવાનું તે દિશામાં પોલીસે તપાસ આદરી છે.
ચકલાસી પોલીસના માણસોએ ગતરાત્રે નડિયાદ તાલુકાના ઉત્તરસંડા ગામે આવેલ હરસિધ્ધિ માતાના મંદિરની બાજુમાં આવેલ ચરા વિસ્તારના ખેતરમાં બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા અહીંયાથી મુખ્ય સૂત્રધાર આરોપી પ્રવીણ ઉર્ફે ગુગો શિવાભાઈ ડાભી (રહે. ઉતરસંડા, જય પાપડ ફેક્ટરીમાં, તા. નડિયાદ)ને ઝડપી લેવાયો છે.
પોલીસે તેને સાથે રાખી ખેતરમાં તપાસ આદરતા ઈંગ્લીશ દારૂની અલગ અલગ માર્કાની બોટલ નંગ 127 કિંમત રૂપિયા 63 હજાર 500 તથા એક ઓલ્ટો કાર મળી કુલ રૂપિયા 2 લાખ 63 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે બુટલેગર આરોપી પ્રવીણ ઉર્ફે ગુગાની પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે, આ ખેતરના માલિક મંજુલાબેન કનુભાઈ પરમાર છે અને તેણે તેઓની પાસેથી આ ખેતર ગીરે રાખ્યું હતું. અને આ ગીરે રાખેલ ખેતરમાં પ્રવિણ ઉર્ફે ગુગો દારૂનો જથ્થો ઉતારી વેપલો કરતો હતો. પોલીસે આરોપીની અટકાયત કરી પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.