માતર નજીકના ભલાડા ગામના ઘન તળાવ વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ સ્થાનિક પોલીસના હાથે લાગ્યો છે. આ પ્રકરણમાં દારૂનો વેપલો કરતા બે બુટલેગરો ને પોલીસે પકડી પાડયા છે. જ્યારે અન્ય બે બુટલેગરોના નામ ખુલ્યા છે. લીબાસી પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોધી દારૂનો જથ્થો સહિત અન્ય મુદ્દામાલ મળી 9 લાખ એક હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
લીંબાસી પોલીસના માણસો ગતરોજ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન માતર તાલુકાના ભલાડા ગામે હરસિદ્ધપુરા વિસ્તારમાં રહેતો રાજેશ ઉર્ફે લાલો ગુલાબભાઈ પરમાર ઘના તળાવ વિસ્તારમાં તેના મળતીયાઓ દ્વારા ઘાસમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ સંતાડી રાખે છે અને તેને સગેવગે કરે છે તેવી બાતમી મળી હતી. આથી પોલીસના માણસ હોય ઉપરોકત સ્થળે દરોડો પાડ્યો હતો અને બે બુટલેગરો હર્ષદ ઇશ્વરભાઇ સોલંકી (રહે.ભલાડા, તા.માતર) અને મુકેશ સામતભાઈ પરમાર (રહે.ભલાડા, તા.માતર)ને રંગે હાથે પકડી પાડયા હતા.
પોલીસે તેઓને સાથે રાખી ઘાસના નીચેથી તેમજ ખેતરમાં ખોદેલા ખાડા માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બીયરના ટીન નંગ 1895 કિંમત રૂપીયા 8 લાખ 93 હજાર તેમજ બે મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 9 લાખ એક હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર બુટલેગર રાજેશ ઉર્ફે લાલો ગુલાબભાઈ પરમાર અને ઘનાભાઈ કીસાભાઈ પરમાર બન્ને રહે ભલાડા સીમ બનાવ સ્થળેથી મળી આવ્યા ન હતા. આમ પોલીસે કુલ ચાર સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.