ખેડા જિલ્લામાં ગાંજા સહિત નશીલા પદાર્થોનું વેચાણ ચરમસીમાએ પહોંચ્યું છે. ખાસ કરીને યુવાધન આવા નશીલા પદાર્થોના સેવનથી બરબાદીના રાહે જઈ રહ્યું છે. નડિયાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસે કઠલાલના છીપીયલ ગામેથી ગાંજાની છૂટક પડીકી બનાવી વેચાણ કરતો એક ઈસમને ઝડપી લીધો છે. પોલીસે 47 હજારની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડી ગાંજાનો જથ્થો પૂરો પાડનારા અને વેચાણ કરનાર બે સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદ એસઓજી પોલીસે ચોક્કસ બાતમીના આધારે કઠલાલ તાલુકાના છીપીયલ તાબેના ભોઈની મુવાડી ખાતે રહેતા રણછોડ જેણાજી સોલંકીના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, રણછોડ પોતાના ઘરે નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યા છે. જેથી પોલીસે અહીંયા છાપો માર્યો હતો. પોલીસે રણછોડ સોલંકીને સાથે રાખી ઘરમાં તપાસ આદરી હતી.
દરમિયાન ઘરમાંથી એક ડોલની અંદરથી 4.710 Kgનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે બાબતે પોલીસે તપાસ કરતા આ ગાંજાનો જથ્થો છૂટક પડીકી બનાવી વેચાણ કરતો હોવાનું રણછોડ સોલંકીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. પોલીસે ઉપરોક્ત ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા 47 હજારનો કબ્જે કરી ક્યાથી લાવવામાં આવ્યો તે દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમિયાન ઝડપાયેલા આરોપીએ જણાવ્યું હતું કે, આ ગાંજાનો જથ્થો દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે પટેલ ફળિયામાં રહેતા અર્જુન નરવતભાઈ બારીયાએ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આમ પોલીસે આ ગુનામાં કુલ બે ઈસમો સામે ગુનો નોધી કુલ કિંમત રૂપિયા 47 હજાર 800 મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.