વિવાદિત ટિપ્પણીનો ઉગ્ર પ્રત્યાઘાત:ખેડાના ઠાસરા, ગળતેશ્વર, કઠલાલના લઘુમતી સમાજના લોકોએ બજારો બંધ રાખ્યા, પૂર્વ ભાજપ પ્રવક્તા સામે કડક પગલાં ભરવા માગ

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા - Divya Bhaskar
પૂર્વ ભાજપ પ્રવક્તા નૂપુર શર્મા
  • નૂપુર શર્માએ પયગંબર સાહેબની વિરૂદ્ધમાં કરેલી ટિપ્પણીનો ઉગ્ર વિરોધ
  • ઠાસરા તેમજ સેવાલીયા મામલતદારને આવેદન આપી આવા તત્વો સામે કાર્યવાહી કરવા માંગ

ભાજપનાં પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ ઈસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબના વિરુદ્ધમાં કરેલી ટિપ્પણીને લઇને ઠાસરા, ગળતેશ્વર અને કઠલાલ તાલુકાના મુસ્લિમ બિરાદરોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આજે આ ત્રણેય તાલુકાના મુસ્લિમ વિસ્તારોના બજારો મુસ્લિમો ભાઇઓએ બંધ રાખી મામલતદારને આવેદનપત્ર આપી આવી ખોટી ટિપ્પણી કરી બે કોમ વચ્ચેનું વિશ્વાસનું વાતાવરણ તોડનારા સામે કડક પગલાં ભરવા માંગ કરી છે.

ગળતેશ્વર તાલુકાના સેવાલિયા અંગાડી સહિતના ગામના આગેવાનોએ આજે સેવાલિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જેમાં જણાવ્યું છે કે એક રાજકીય પક્ષના ભુતપુર્વ પ્રવક્તા નુપુર શર્મા એ અમારા મુસ્લિમ ધર્મ પયગંબર અમારા નબી સ.લ.વ.ના વિરુદ્ધમાં ખોટી ટીકા ટીપ્પણી કરી છે જેને અમે વખોડીએ છીએ અને સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આવા વૈમનસ્ય વિચારધારા ધરાવતા લોકો આપણા દેશના લોકો વચ્ચે ખાઈ ઉભી કરવાના પ્રયાસો કરે છે, જેથી બે ધર્મના લોકો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઉપસ્થિત થાય છે.

આવેદનપત્રમાં વધુમાં જણાવાયું હતું કે નુપુર શર્માએ શાંત પાણીમાં પથરા નાખી અવિશ્વાસના વમળો પેદા કર્યા છે. આવા લોકોને દેશદ્રોહી જાહેર કરવા જોઈએ, દેશ વિકાસના પંથે આગળ વધતો હોય ત્યારે આવા લોકો વિઘ્ન પેદા કરી રહ્યા છે. આવા લોકો પર કાનુની કાર્યવાહી કરવા અમારી માંગ છે. અમારો સમાજ સખ્ત શબ્દોમાં આ બનાવને વખોડે છે.

અત્રે નોંધનીય છે કે આજે ઠાસરા, ગળતેશ્વર અને કઠલાલ તાલુકાના ગામડાઓના મુસ્લિમ વિસ્તારના બજારો મુસ્લિમ બિરાદરોએ બંધ રાખી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને આવા તત્વો સામે પગલાં ભરવા માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...