ખેડા તાલુકાના કલોલી ગામની ગૌચર અને સરકારી બીનાકારી જમીનમાંથી લાખો ટન જેટલી માટી ઉલેચી જમીનોમાં મોટા ખાડા કરી દેવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિનામાં ભૂમાફિયાઓ દ્વારા મગરિયા ધરા વિસ્તારની આજુબાજુમાં આવેલ ગૌચરની 35 થી 40 વીઘા જમીનમાં મોટા પાયે ખનન કરવામાં આવ્યું હતું. જેના કારણે કલોલી ગામના ગૌચર જમીન બિન ઉપયોગી બની હતી. ગામમાં અંદાજે 500 વીઘાથી વધુ ગૌચર અને બીનાકારી સરકારી જમીન આવેલી છે.
અત્યાર સુધીમાં 100 થી 200 વીઘા ગૌચર જમીનમાંથી ભુમાફિયાઓએ મોટાપાયે માટીનું ખોદકામ કરી લીધું હોઇ તાલુકા વિકાસ અધિકારીની તપાસ બાદ ઘોર નિંદ્રામાંથી જાગેલું ખાણ ખનીજ વિભાગ પણ કલોલી ગામે ગૌચરની તપાસ માટે દોડી આવ્યું હતું. અધિકારીઓ સામે ગામ લોકોએ સદર ગૌચરની માપણી કરવામાં આવે અને જે તે ભુમાફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સદર ગૌચરમાંથી માટી ઉઠાવવાનું કામ વહેલી તકે બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. તથા આગામી દિવસોમાં આ સમસ્યાનો ઉકેલ ન આવતા ગાંધીજી ચિંધ્યા માર્ગે આંદોલન પણ કરવાની તૈયારી બતાવી હતી.
ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા રિપોર્ટ કરાશે
તાલુકા વિકાસ અધિકારી વિમલ ગઢવીઅે જણાવ્યું હતું કે કલોલીમાં આવેલ ગૌચરમાં જમીનમાં સ્થળ મુલાકાત લીધા બાદ સ્થળના ફ્રોટોગ્રાફ લઈ પંચકાસ કરી ગામ લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. વધુમાં આ બાબતે ખાણ ખનીજ વિભાગ અને લાગતા વળગતા વિભાગને ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.