વાંધા અરજી:મૃત સંતના નામે અંગુઠો પડાવી ટ્રસ્ટની જમીન વેચવા અંગે FIR કરવા આદેશ

ખેડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા પ્રાંત અધિકારી સુધી મામલો પહોંચતા રેકોર્ડની ચકાસણી
  • જમીન ખરીદનારનું રટણ, જમીન ટ્રસ્ટની હોવાનું અમને ખબર ન હતી

ખેડા તાલુકાના વાસણા બુઝર્ગમાં સંત ગોવર્ધનદાસના નામની સર્વે નંબર 40 વાળી જમીન કેટલાક મળતીયાઓએ ભેગા મળીને ત્રાહિત વ્યક્તિનો અંગુઠો પડાવી, બોગસ દસ્તાવેજોના આધારે વેચાણ કરી દીધી હતી. જે બાબતે વસોના શાંતિ નિકેતન કેવળ ટ્રસ્ટના પ્રમુખ દ્વારા દ્વારા વાંધા અરજી કરતા જ જમીન ખરીદનારા ચેતી ગયા હતા, અને જમીન સંત ગોવર્ધનદાસને વેચાણ દસ્તાવેજ થી પરત કરવામાં આવી હતી. સમગ્ર બાબતની જાણ ખેડા પ્રાંત અધિકારી સુધી પહોંચતા રેકોર્ડની ચકાસણી કરી તપાસમાં જે કોઈપણ જવાબદાર ઠરે તેના વિરુદ્ધમાં ફોજદારી કેસ દાખલ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

તા.24 ઓગસ્ટ 2022ના રોજ ખેડા ના સબ રજીસ્ટ્રાર કચેરીમાં વાસણા બુઝર્ગ ગામની સર્વે નં.40 વાળી જમીનનો કાચી નોંધ નં.5752 થી વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો. જે બાબતે વસોના શાંતિ નિકેતન કેવળ ટ્રસ્ટના પ્રમુખ હરિશભાઈ પટેલ દ્વારા વાંધા અરજી કરતા ખેડા પ્રાંત કચેરી ખાતે આસિસ્ટન્ટ કલેકટર સમક્ષ તકરારી કેસ ચાલ્યો હતો.

કેસ ચાલવા પર આવતા જ જમીન વેચાણ રાખનાર નફીસાબીબી અકબર અલી સૈયદે લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે હરીશ પટેલ દ્વારા વાંધા અરજી આપતા અમને જાણ થયેલ કે આ જમીન ટ્રસ્ટની છે. અમે કાયદા ના અજ્ઞાન અને ઓછું ભણેલા છીએ જેથી દસ્તાવેજ કર્યો ત્યારે ખબર ન હતી કે આ જમીન ટ્રસ્ટની છે. જો કે પ્રાંત અધિકારી દ્વારા જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવા હુકમ કર્યો હતો. ખેડાના મામલતદાર અગરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તપાસ બાદ કલેકટર અને પ્રાંત અધિકારીને રિપોર્ટ કરાશે.

જંત્રીની રકમ ચેકથી બતાવવી પડે તે બતાવી નથી
જ્યારે સબ રજીસ્ટ્રાર કચેરીમાં કોઈપણ મિલકતનો દસ્તાવેજ થાય ત્યારે જેતે મિલકતની જંત્રીની રકમના ચેક બતાવવાના હોય છે. એટલે કે જેતે રકમ કાયદેસર સરકારમાં ભરવાની હોય છે. પરંતુ અત્રે નોંધાયેલ દસ્તાવેજમાં એકપણ રૂપિયાના ચેક દર્શાવ્યા નથી. જેના પરથી સ્પષ્ટ થાય છે કે સરકારી બાબુઓ અને મળતીયાઓના મેળાપીપણામાં સમગ્ર કૌભાંડ અાચરાયું છે.

અન્ય સમાચારો પણ છે...