ખેડા જિલ્લામાં જુગાર સહિતની બદીઓ પૂર જોશમાં અને વ્યાપક પ્રમાણમાં ચાલી રહી છે. ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે માતર પાસેના વારૂકાસ ચોકડી પાસેના ફાર્મ હાઉસ પર દરોડો પાડી ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા અમદાવાદના બે ઈસમોને ઝડપી લીધા છે. આ બનાવમાં કુલ રૂપિયા 72 હજાર 800નો મુદ્દામાલ કબજે કરાયો છે.
જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસના માણસો ગત રવિવારની રાત્રે માતર પંથકમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમીના આધારે વારૂકાસ ચોકડી પાસે આવેલ ટી.એસ.નામદાર ફાર્મ હાઉસ ખાતે દરોડો પાડ્યો હતો. પોલીસને અહીંયા ચોક્કસ બાતમી મળી હતી કે આ ફાર્મ ખાતે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાઇ રહ્યો છે. પોલીસે પંચોની હાજરીમાં આ ફાર્મ હાઉસ પર પહોંચી દરોડો પાડ્યો હતો. જ્યાંથી બે ઈસમો સટ્ટો રમતા રંગે હાથે પકડાઈ ગયા હતા. પોલીસ આ બંને ઈસમોની પૂછપરછ કરતા દિવ્ય ઉર્ફે બીટ્ટુ કેતનકુમાર ગાંધી (રહે. રાયપુર, અમદાવાદ) અને નિશાંત ઉર્ફે મેગી રવિન્દ્ર પંચાલ (રહે. આંબાવાડી, અમદાવાદ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આ બંને ઈસમો પાસેથી રોકડ રૂપિયા તથા ચાર મોબાઇલ ફોન અને એક લેપટોપ, ટીવી તથા સેટઅપ બોક્ષ મળી કુલ રૂપિયા 72 હજાર 800નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસની પૂછપરછમાં આ બંને ઈસમોએ ચાલી રહેલી ટી 20 લખનઉ-રાજસ્થાન રોયલ્સ વચ્ચે ચાલતી મેચમાં સટ્ટો ખેલતા હોવાનું કબૂલ્યું હતું. પોલીસે આ બંને ઈસમ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.