માર્ગ અકસ્માત:નડિયાદના ચકલાસી પાસે ટેમ્પો અને ડમ્પર વચ્ચે ટક્કર, એકનુ મોત, બે વ્યક્તિઓ ઘાયલ

નડિયાદએક મહિનો પહેલા
  • ચકલાસી પોલીસ તુરંત ઘટના સ્થળે દોડી જઇ ફરીયાદ લેવાની તજવીજ હાથ ધરી
  • એક વ્યક્તિ ડમ્પરના કેબિનમાં ફસાઈ જતા ફાયરબ્રિગેડની મદદ મેળવી હેમખેમ બહાર કઢાયો

નડિયાદના ચકલાસીમાં ટેમ્પો અને ડમ્પર વચ્ચે આજે વહેલી સવારે અકસ્માત થયો છે. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે બે વ્યક્તિઓ ઘાયલ થયા છે‌. આ ઘટનાની જાણ ચકલાસી પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી જઇ ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે.

નડિયાદ તાલુકાના ચકલાસી ગામ પાસે આવેલા પેટ્રોલપંપ નજીક શનિવારની વહેલી સવારે એક અકસ્માત સર્જાયો છે. અહીંયાથી પસાર થઇ રહેલા ટેમ્પો નંબર (GJ 07 VW 7082) અને ડમ્પર નંબર (GJ 06 AZ 8575) વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, ઉપરોક્ત બંને વાહનોના ફૂરચે ફુરચા ઉડી ગયા હતા.

આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે બે વ્યક્તિઓ ઘાયલ થયા છે. આ બે પૈકી એક વ્યક્તિ ડમ્પરના કેબિનમાં ફસાઈ ગયો હતો. જેથી નડિયાદ ફાયરબ્રિગેડની મદદ મેળવી ફસાયેલા વ્યક્તિને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો છે. બંને વ્યક્તિને તુરંત નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ ચકલાસી પોલીસને થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ આ અકસ્માતમાં મરણજનાર વ્યક્તિનું નામ ખોડાભાઈ ચૌહાણ (ઉ.વ. 41, રહે. ખાત્રજ) હોવાનું જણાવ્યું છે. ઉપરોક્ત બંને વાહનોને જેસીબીથી છુટા પાડવામા આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...