ડોકટરની અછત:સેવાલિયા CHCમાં રોજ 100 દર્દી તપાસવા એકજ તબીબ

સેવાલિયા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરોડના ખર્ચે બનેલા અાારોગ્ય કેન્દ્રમાં ડોકટરની અછત

સેવાલિયા ખાતે તમામ સુવિધાઓથી સજ્જ સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું હતુ. જેમાં એક જ ડોક્ટર હોવાને કારણે દર્દીઓની લાંબી કતારો લાગી હતી. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલીયામાં રૂ.3.55 કરોડના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું. જેમાં તમામ સુવિધાઓ જેવી કે OPD, ઓપરેશન થિયેટર, લેબોરેટરી, ફાર્મસીસ, એક્સરે, લેબર રૂમ, ફીઝીઓથેરાપી, ઇમરજન્સી, બ્લડ કલેકશન રૂમ PM રૂમ જેવા અલગ અલગ વિભાગથી સુસજ્જ કરવામાં આવ્યું છે.

પણ આ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 1 જ મેડિકલ ડોક્ટર દ્વારા દરરોજ દર્દીઓની તપાસ કરી સારવાર કરવામાં આવે છે. લગભગ 24 હજાર વસ્તી ધરાવતી આ પંચાયતના પાંચ પરા વિસ્તાર જેવા કે પાલી, સેવાલીયા ગામ, રામપુરા, લાલાના મુવાળા, રાજુપુરા ગામને આવરી લેતા 100 જેટલા દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. એક જ ડોકટર હોવાને લઈ 24 કલાક ડોકટર હાજર રહીને સારવાર કરે છે. CHC માં ડોક્ટરની અછત હોવાને લઇ દર્દીઓને લાંબી લાઈનો લાગતી હોઇ સત્વરે બીજા ડોકટરની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવે તેની માંગ ઉભી થવા પામી હતી. ડોકટરની અછત પૂર્ણ કરવામાં નહીં આવતા લાંબા ગાળે સરકારે બનાવેલ સુસજ્જ સામુહિક આરોગ્ય કેન્દ્ર ધૂળ ખાતું બનવાની શક્યતા ઉભી થઇ હતી.

બીજા ડોક્ટરો મૂકાય તો દર્દીઓને ઝડપી સારવાર મળી રહે : મેડિકલ ઓફિસર
સેવાલીયા સામુહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડૉ. પાર્થે જણાવ્યુ઼ હતું કે, જ્યારથી હું આવ્યો છું, ત્યારથી 24 કલાક દર્દીઓની સારવાર કરી રહ્યો છું. રોજના 100થી વધુ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અને CHC માં ડોકટર એક જ હોવાથી દર્દીઓને લાઈનોમાં ઉભું રહેવું પડતું હોય છે. જેથી ડોકટરની અછત પૂર્ણ કરવામાં આવે તો દર્દીઓને ઝડપી સારવાર મળી રહે.

અન્ય સમાચારો પણ છે...