ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં એકબાજુ આગામી રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ આવવાના છે. આ પૂર્વે ગૃહ રાજ્યમંત્રીના આવન-જાવન વચ્ચે નડિયાદ પશ્ચિમમાંથી વિદેશી દારૂનો જથ્થો સ્થાનિક પોલીસે ઝડપી લીધો છે. પોલીસે ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે કાર મળી કુલ રૂપિયા 3.15 લાખનો મુદ્દામાલ સાથે ખેપિયા બુટલેગરને ઝડપી લેવાયો છે.
નડિયાદમાં એક બાજુ આગામી 29મે ના રોજ રાજ્ય કક્ષાનો આવાસનો કાર્યક્રમ યોજાવાનો છે. જેને લઇ પોલીસ નગરના માર્ગો પર રિહર્સલ કરી રહી છે. આ સાથે સાથે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કાર્યક્રમના પૂર્વે ડે ટુ ડે નડિયાદની મુલાકાત લઈ રહ્યા છે. આ વચ્ચે બુટલેગરો પણ બેખોફ બન્યા છે. નડિયાદમાં પવનચક્કી રોડ પર આવેલ ખુશ્બુ ટાઉનશીપ નજીક પશ્ચિમ પોલીસે દરોડો પાડી દારૂની ખેપ કરતો બુટલેગર કપીલ જગદીશ યાદવ (રહે.સરદારનગર, નડિયાદ)ને રંગે હાથે ઝડપી લીધો હતો.
પોલીસે અહીંયાંથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો કુલ 672 કિંમત રૂપિયા 1 લાખ 14 હજાર અને એક કારને ઝડપી લીધી હતી. ગુનામાં વપરાયેલી કાર સહિત પોલીસે કુલ રૂપિયા 3 લાખ 15 હજાર 220નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. નોંધનીય છે કે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના આવન-જાવન વચ્ચે જ ઈંગ્લીશ દારૂની હેરાફેરી ઉપર પોલીસે અંકુશ લાવવા તૈયારી બતાવી છે. તો ગતરોજ જિલ્લાના મહુધા પંથકમાં પણ લૂંટના બનાવે ભારે ચકચાર મચાવી હતી. આમ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા દિવસેને દિવસે કથળતી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.