વસુલાત:ખેડા પાલિકાની 100 બાકીદારોને નોટિસ, વેરો નહીં ભરો તો જપ્તી

ખેડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 હજારથી વધુ વેરાના બાકીદારોની યાદી બનાવાઇ
  • વૉર્ડ વાઇસ અલગ અલગ ટીમો બનાવી વેરાની વસુલાત કરાશે

ખેડા પાલિકાની સ્ટેટ અને વોટર વર્કસના વીજ બિલ પેટે રૂપિયા 2 કરોડની બાકી રકમને પગલે નગરપાલિકાનું બે વખત કનેક્શન જીઇબી દ્વારા કાપી નાખ્યું છે. ત્યારે હવે પાલિકાએ પણ વેરા વસુલાત માટે નગરજનો સામે લાલ આંખ કરી છે. અગાઉ 7 દિવસ પહેલા જીઇબી દ્વારા ખેડા નગરના સ્ટેટ લાઈટના 10 જેટલા કનેક્શન કાપી લેવામાં આવ્યા હતા.

ત્યારે પાલિકાએ રૂ.5 લાખ વરો વસુલાત ઉઘરાવીને ફરી વીજ જોડાણ ચાલુ કરાયું હતું. પણ હવે પાલિકાના માથે ભારે સંકટ ઉભું થયું છે કેમ કે તા.15 માર્ચે નગરપાલિકાને જીઇબીમાં રૂ.25 લાખ અને 30 માર્ચે રૂ.27 લાખ જેટલી રકમ ભરવાની હોવાથી પાલિકાએ રૂ.10 થી રૂ.25 હજાર સુધીની રકમના વેરા બાકી હોય એવા 100 લોકોને નોટિસ ફટકારી છે.

ખેડા મામલતદારે અને ચીફ ઓફિસરે લેહણદારોને બીજી નોટિસ ફટકારી હતી. જેમાં અગાઉ જે 100 લોકોને પાલિકાએ નોટિસ ફાટકારી છે એ તમામને સવારે 11 વાગે ખેડા મામલતદાર કચેરી ખાતે મીટીંગમાં હાજર રહેવા માટે ફરમાન કરાયું છે. વહીવટદાર મામલતદાર ચૌહાણે નોટિસમાં જણાવ્યું હતું કે આગામી તારીખ 8 માર્ચ સુધીમાં લેહણદારોએ વેરાની નીકળતી રકમ ભરપાઈ કરવામા નહી આવે તો જંગમ /સ્થાવર મિલકત દ્વારા જપ્તી ટાંચમાં લઇ વેચીને રકમ વસૂલાત કરવામાં આવશે. વધુમાં મામલતદાર એ જણાવ્યું હતું કે એક મહિનાની અંદર રૂ.50 લાખ થી વધુ રકમની વેરા વસુલાત કરવામાં આવશે. આગામી દિવસોમાં વૉર્ડ વાઇસ ટીમ બનાવી નસુલાત કરાશે.

અન્ય સમાચારો પણ છે...