અંગદાનથી 5 લોકોને નવજીવન:નડિયાદના યુવકનું બ્રેન સ્ટ્રોકને કારણે મોત, પિતાએ પુત્રનાં અંગોનું દાન કરીને પાંચ લોકોને નવું જીવન આપ્યું

નડિયાદ17 દિવસ પહેલા
  • 36 વર્ષીય નિગમ બિપિનભાઇ સિદ્ધપુરાને બે દિવસ પહેલાં બ્રેન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો
  • નડિયાદ સિવિલ બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં

આજે અંગદાન કરનારા લોકો સમાજમાં ઘણા જૂજ જોવા મળી રહ્યાં છે. કુદરતે બનાવેલા સુંદર શરીરનાં અંગોને આપણે ક્યારે આકસ્મિક રીતે ગુમાવતાં હોઈએ છીએ, પરંતુ સામે આવા અંગદાન કરનારા લોકોને કારણે ઘણા લોકોને નવું જીવન મળી રહે છે અને પોતાના જીવનમાં ખુશાલી પુનઃ આવે છે. નડિયાદમાં એક વ્યક્તિનું બ્રેન સ્ટ્રોકના હૂમલાથી મોત થતાં તેમના અંગદાનથી 5 લોકોને નવું જીવન મળ્યું છે.

મૃતક નિગમભાઇની ફાઇલ તસવીર.
મૃતક નિગમભાઇની ફાઇલ તસવીર.

પરમ દિવસે સાંજે બ્રેન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો
મુળ અમદાવાદના અને નડિયાદ પશ્ચિમમા નહેર પાસે આવેલા અનેરી હાઈટ્સ A1-903માં રહેતા 36 વર્ષિય નીગમ બિપીનભાઇ સિદ્ધપુરાને પરમ દિવસે સાંજે બ્રેઇન સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો. જેમાં તેઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ત્યાર બાદ ત્યાંથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોએ તમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા.

મૃતકના પિતાએ પુત્રનાં અંગ દાન કરવાનો નિર્ણય કર્યો
આ બાદ સિવિલ હોસ્પિટલના ડોકટરો તથા સામાજિક સંસ્થા દ્વારા નિગમભાઈના માતા પિતાને અંગ દાન કરવા સમજાવતાં નિગમભાઈના માતા-પિતાએ અત્યંત મહત્વનો નિર્ણય લઈને તેમાં પોતાની સહમતી આપી હતી. જેમાં નિગમભાઈની બે કિડની, લિવર અને હૃદય જેવા મહત્વના અંગોનું દાન કરવામાં આવ્યું હતું. તેમનું હૃદય મુંબઇ સ્થિત વ્યક્તિના શરીરમાં બેસાડી પણ દેવામાં આવ્યું છે. તેમના આ નિર્ણયના લીધે પાંચ વ્યક્તિઓનું નવ જીવન મળ્યું છે.

આજે અંતિમ વિધિ કરાઇ
નિગમભાઈના માતા-પિતાના આ દૃષ્ટાંતરૂપ નિર્ણયના કારણે સાક્ષરનગરીમા અનેકોને પ્રેરણા પુરી પાડી છે. ગુરુવારે બપોરે 4 વાગ્યા પછી સ્વર્ગસ્થ નિગમભાઈની અંતિમયાત્રા નીકળી હતી. જે બાદ નિગમભાઈને પંચમહાભૂતમાં વિલિન કરવામાં આવ્યા હતા. બિપીનભાઈને બે સંતાનો છે જે પૈકી નાના સંતાનનુ આકસ્મિક અકાળે અવસાન થતાં સિદ્ધપુરા પરિવાર પર આભ તુટી પડ્યુ છે. મૃતક નિગમભાઈ પોતે શહેરના પશ્ચિમ વિસ્તારમાં કાર એસેસરીઝની દુકાન ધરાવતા હતા. જોકે, તે બંધ કરી દીધી હતી. અંગદાનના કારણે નિગમભાઈ 5 વ્યક્તિઓમા જીવંત રહેશે તેમ શોકાગ્રસ્ત દુઃખમાં ભાંગી પડેલા બિપિનભાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...