આ છે ‘You Tube’નો ખરો ઉપયોગ...:નડિયાદના રિક્ષાચાલકના દીકરાએ બોર્ડમાં 95 ટકા મેળવ્યા, મેથ્સની તૈયારી યુટ્યૂબમાંથી કરી 99 માર્ક્સ મેળવ્યા

નડિયાદ, અમદાવાદ25 દિવસ પહેલાલેખક: વિવેક ચુડાસમા
  • ધ્રુવના પિતા છેલ્લાં 15 વર્ષથી રિક્ષા ચલાવે છે
  • યુટ્યૂબમાં મેથ્સના વીડિયો જોઈને દાખલાની પ્રેક્ટિસ કરતો હતોઃ ધ્રુવ
  • ઘણી તકલીફો વચ્ચે પણ બાળકોના ભવિષ્ય માટે બને એટલી મહેનત કરીઃ પિતા

‘પરિસ્થિતિ ગમે તેવી હોય હાર ન માનવી જોઈએ’ આવું ઘણીવાર આપણે વાંચ્યું હશે, પરંતુ નડિયાદના એક ઓટોરિક્ષાચાલકના દીકરાએ આ વાત સાબિત કરી બતાવી છે. નડિયાદના ફતેહપુરા રોડ પર આવેલા શ્રીકૃષ્ણ રો-હાઉસમાં રહેતા ધ્રુવ રાવળે ધોરણ 10ની બોર્ડ એક્ઝામમાં 95.66 ટકા મેળવ્યા છે. જ્યારે 99.88 પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યો છે. એટલું જ નહીં, ધ્રુવે વિજ્ઞાનમાં 100માંથી 100 માર્ક્સ સિક્યોર કર્યા છે. આ સિવાય સ્ટાન્ડર્ડ મેથ્સ, સામાજિક વિજ્ઞાન અને સંસ્કૃતમાં 99 ગુણ મેળવ્યા છે. ગુજરાતીમાં 89 અને અંગ્રેજીમાં 88 માર્ક્સ મેળવ્યા છે. છે ને ગર્વની વાત!

ધ્રુવનું ધોરણ 10નું રિઝલ્ટ.
ધ્રુવનું ધોરણ 10નું રિઝલ્ટ.

દરરોજ છથી આઠ કલાક વાંચતો હતોઃ ધ્રુવ
ધ્રુવ રાવળ ડાકોર રોડ પાસે આવેલી સ્વામી વિવેકનંદ હાઇસ્કૂલમાં ધોરણ 1થી ભણતો હતો અને ત્યાંથી જ ધોરણ 10 પાસ કર્યું છે. અત્યાર સુધી ધ્રુવ દરેક ધોરણમાં પહેલો નંબરે જ આવતો હતો. ધ્રુવના પિતા નીતિનભાઈ રાવળ છેલ્લા 15 વર્ષથી રિક્ષા ચલાવે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ધ્રુવના રિઝલ્ટ બાદ હાલ પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ધ્રુવ આ વિશે વાત કરતા કહે છે કે, ‘અહીં સુધી પહોંચવા માટે મેં ખૂબ જ મહેનત કરી છે. દરરોજ હું 6થી 8 કલાક વાંચતો હતો. પરીક્ષાના દિવસોમાં તો રાતે પણ વાંચવું પડતું હતું. આ સિવાય સ્કૂલ અને ક્લાસિસ મેનેજ કરવાનું તો અલગ.’

યુટ્યૂબમાંથી મેથેમેટિક્સની તૈયારી કરી
આ વિશે વાત કરતા ધ્રુવ જણાવે છે કે, ‘મેં સ્ટાન્ડર્ડ મેથ્સ લીધું હતું. તેથી થોડું અઘરું પડે. મોટે ભાગે ગણિતની તૈયારી યુટ્યૂબમાંથી કરતો હતો. યુટ્યૂબમાં મેથ્સના વીડિયો જોતો હતો. ત્યારબાદ તેમાંથી સમજીને દાખલાની પ્રેક્ટિસ કરતો હતો. મેથ્સને સરળ બનાવવામાં યુટ્યૂબે મને બહુ જ મદદ કરી છે. હું યુટ્યૂબ વીડિયોમાંથી ઘણું બધું શીખ્યો છું.

ધ્રુવ રાવળની તસવીર.
ધ્રુવ રાવળની તસવીર.

વાંચન-પ્રેક્ટિસ માટે ટાઇમટેબલ બનાવ્યુંઃ ધ્રુવ
ધ્રુવ બોર્ડ એક્ઝામની તૈયારીના પ્લાનિંગ વિશે જણાવતાં કહે છે, ‘પ્રોપર માર્ક્સ મેળવવા માટે પ્લાનિંગ ખૂબ જ જરૂરી છે. સ્માર્ટવર્ક જરૂરી છે. મેં તૈયારી માટે એક ટાઇમટેબલ બનાવ્યું હતું અને તેના મુજબ જ હું તૈયારી કરતો હતો. બપોરના સમયે 2થી 4 વાગ્યા સુધી મેથ્સની પ્રિપેરેશન કરતો અને સાંજે મોટે ભાગે વાંચવાનું પ્રીફર કરતો હતો. તેમાંય રવિવારે આખો દિવસ જુદા-જુદા વિષયોની તૈયારી કરતો. આ સિવાય જાતે જ પોતાની પરીક્ષા લેતો હતો.’

‘એન્જિનિયર બનવાનો વિચાર છે’
ભવિષ્ય વિશે વાત કરતા ધ્રુવ કહે છે કે, ‘મારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં આગળ વધવું છે. મને એમાં વધારે રસ છે. હાલમાં ઉચ્ચતર માધ્યમિકના અભ્યાસ માટે નડિયાદની વિઝન સ્કૂલમાં 11 સાયન્સમાં એડમિશન લીધું છે.’

ધ્રુવ તેના પિતા સાથે.
ધ્રુવ તેના પિતા સાથે.

મારા દીકરા પર મને બહુ જ ગર્વ છેઃ પિતા
ધ્રુવના પિતા નીતિનભાઈ આ વિશે વાત કરતા કહે છે કે, ‘ધ્રુવના રિઝલ્ટથી હું ખૂબ જ ખુશ છું. તેણે અમારા બધાનું નામ રોશન કર્યું છે. અમને બધાને તેના પર બહુ જ ગર્વ થાય છે. મારા બંને દીકરા અને દીકરીએ મારું નામ રોશન કર્યું છે. મેં મારા બાળકોને ભણાવવા માટે દિવસ-રાત મહેનત કરી છે. સવારે 5 વાગ્યાથી રિક્ષા લઈને જઉં તો છેક રાતે 8 વાગ્યે ઘરે આવું. ઘણી તકલીફો વચ્ચે પણ મેં ત્રણેય બાળકોના ભવિષ્ય માટે બને તેટલી મહેનત કરી છે. હજુ આગળ પણ તેમના ભણવા માટે આ રીતે જ મહેનત કરીશ. તેમને જેટલું ભણવું હશે તેટલું ભણાવીશ.’

ધ્રુવના મોટા ભાઈના 3 વિષયમાં 100માંથી 100 માર્ક્સ
બે દિવસ પહેલાં જ ધોરણ 12નું રિઝલ્ટ આવ્યું હતું. જેમાં ધ્રુવના મોટા ભાઈએ કોમર્સના ત્રણ મેઇન વિષયમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા હતા. આમ, કહી શકાય કે બંને ભાઈએ ભેગા મળીને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...