સમાજમાં દહેજનું દૂષણ પ્રવર્તી રહ્યું છે, જે સમાજને ખોખલો કરી રહ્યું છે. કપડવંજની પરિણીતાના સંસારને દહેજના દુષણની નજર લાગી છે. તેણીના સાસરિયાઓએ દહેજ બાબતે ત્રાસ આપી સળગાવી દેવાની ધમકી આપતાં ચકચાર મચી છે. આથી પીડિતાએ કપડવંજ ટાઉન પોલીસ મથકે પોતાના પતિ, સાસુ અને દિયર સામે ફરિયાદ નોંધાવી છે.
કપડવંજના કસ્બા ખાતે રહેતી 23 વર્ષિય મુસ્લિમ યુવતીના લગ્ન જ્ઞાતિના રીતિ-રિવાજ મુજબ અમદાવાદ જુહાપુરા વિસ્તારમાં રહેતા યુવક સાથે વર્ષ 2021માં થયા હતા. લગ્ન બાદ પરિણીતા પોતાના સાસરે ગઈ હતી. શરૂઆતમાં તેણીના સાસરીયાઓએ તેણીને સારી રીતે રાખી હતી. પરંતુ થોડા સમય બાદ તેણીના પતિ સાસુ અને દિયર આ ત્રણેય લોકો પીડિતા સાથે ખરાબ વર્તન કરતા હતા. ઉપરાંત ઘરના કામકાજ બાબતે ઝઘડો કરી પીડિતા સાથે મારઝૂડ કરતા હતા.
દહેજ બાબતે આ ત્રણેય લોકોએ પીડિતાને હેરાન પરેશાન કરી દીધી હતી. ગત 4 માર્ચ 2022ના રોજ પીડિતા સાથે તેના પતિ, સાસુ અને દિયરે ઝઘડો કર્યો હતો અને એ બાદ પીડિતાને તેના પિયર કપડવંજ મૂકી ગયા હતા. જેના બાદ 6 માર્ચના રોજ પીડિતાના પિતાએ પોતાની દીકરીને લઈ તેના સાસરે મૂકવા જતા સાસરીયાઓએ પીડિતાના પિતા સાથે ઝઘડો કર્યો હતો અને જણાવ્યું હતું કે તમારી દીકરીને તેડવાના નથી, તમારી દીકરીને તલાક આપી દેવાના છે. તેમજ જો અહીં મૂકીને જશો તો તેને જીવતી સળગાવી દઈશું તેવી ધમકીઓ આપી હતી.
જો કે તેના બાદ સમાજના અગ્રણીઓ દ્વારા સમાધાનની વાતચીત ચાલતી હતી. પરંતુ આજદિન સુધી સમાધાન ન થતા આ મામલે પીડિતાએ પોતાના પતિ મહંમદ શહેબાજ પરવેઝ અહેમદ મુનશી, સાસુ ગઝાલા સુલતાન પરવેઝ અહેમદ મુનશી અને દિયર ઉઝેર અહેમદ પરવેઝ અહેમદ મુનશી (તમામ રહે. ઇબ્રાહિમ રેસીડેન્સી મકાન નંબર 602, જુહાપુરા, અમદાવાદ) સામે કપડવંજ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.