નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં બેરોકટોક અખાદ્ય કેરીઓનો વેપલો ફૂલીફાલી રહ્યો છે. કેમિકલથી પકવેલી આવી અખાદ્ય કેરીઓની હાટડીઓ ઠેકઠેકાણે જામી છે. ત્યારે નડિયાદ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે નડિયાદ શહેરમાં જુદા જુદા ઠેકાણેથી આવી અખાદ્ય કેરી તથા રસ અને સુગર સોલ્યુશન મળી કુલ 50 કિલો જથ્થો પકડી તેનો નાશ કર્યો છે.
ઉનાળાની સિઝનમાં લોકોની સૌથી પ્રિય કેરીઓ હાલ બજારમાં ઊંચા ભાવે વેચાણ થઈ રહી છે. આ સિઝનમાં કેરીઓની માંગમાં વધારો હોવાથી વેપારીઓ વેપારની લાહ્યમાં અખાદ્ય કેરીનું ધૂમ વેચાણ કરી રહ્યા છે. કાર્બાઇડથી પકવેલી આવી અખાદ્ય કેરી ખાવાથી સ્વાસ્થ્યને હાનિ પહોંચે છે. આમ છતાં પણ વધુ નફાની લાલચે વેપારીઓ આવી કેરીઓનું વેચાણ કરી રહ્યા છે. જો કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવા વેપારીઓ સામે લાલ આંખ કરી છે. આમ છતાં પણ દર વર્ષે આવી અખાદ્ય કેરીઓનું ધૂમ વેચાણ થાય છે.
નડિયાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નડિયાદ શહેરમાંથી 10 જેટલા સ્થળોએ દરોડો પાડી આવી અખાદ્ય કેરીઓનો જથ્થો તથા કેસર કેરીનો રસ ઝડપી પાડ્યો છે. જેમાં અખાદ્ય 20 કિલો કેસર કેરી તથા રસ અને સુગર સોલ્યુશન મળી કુલ 50 કિલો જેટલો જથ્થાનો નાશ કર્યો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા વેપારીઓની મિલીભગતથી આવી અખાદ્ય કેરીઓનું વેચાણ થઇ રહ્યું હોવાનુ નાગરીકો જણાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.