અરજદારોની મુશ્કેલીઓ વધી:નડિયાદમાં અરજદારો જૂની સાતબારની નકલ મેળવવા માટે ધક્કા ખાવા મજબુર, નકલો મેળવવા માટે અરજીની સિસ્ટમથી લોકો પરેશાન

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂની સાતબારની નકલ મેળવવા માટે સપ્તાહમાં માત્ર બે દિવસ ફાળવવામાં આવ્યા
  • જે નકલ માટે માત્ર એક મિનિટ લાગે તે મેળવવા માટે અરજદારને સપ્તાહ સુધી રાહ જોવી પડે છે

ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં નાગરીકોને પોતાની ખેતીલાયક જમીનની નકલો મેળવવા માટે છેલ્લા ઘણા સમયથી ધક્કે ચઢવા મજબુર થવું પડ્યું છે. કેમકે નડિયાદ શહેરમાં નકલો માટે ન સમજાય તેવો નિયમ બનાવ્યો છે. જૂની સાતબારની નકલ મેળવવા માટે સપ્તાહમાં માત્ર બે દિવસ ફાળવવામાં આવ્યા છે. જે નકલ કોમ્પ્યુટરમાંથી માત્ર એક મિનિટ લાગે તે નકલ મેળવવા માટે અરજદારને એક સપ્તાહ સુધી રાહ જોવી પડે છે. ફાસ્ટ ટેકનોલોજીના યુગમાં વહીવટી તંત્રની અણઆવડતભરી કામગીરીથી અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

નડિયાદ શહેરના ડભાણ રોડ પર મામલતદાર કચેરીમાં ખેતીલાયક જમીનનો તમામ રેકોર્ડ કોમ્પ્યુટરમાં ફીટ થઈ ગયો છે. તમામ નકલો તેમજ ખેતી બાબતની અન્ય વિગતો કોમ્પયુટરમાં સ્કેન કરવામાં આવી છે છતાં પણ ખેતમાલિકોને સાતબાર કે જૂના ફેરફાર સરળતાથી મળી રહ્યા ન હોવાની ફરીયાદો ઉઠી છે. અહીંયા એવો નિયમ બનાવવામાં આવ્યો છે કે ખેત માલિકે પોતાની જમીનની 7/12 ની નકલ મેળવી હોય તો કોરા કાગળમાં અરજી કરવી પડે તેની ઉપર રૂપિયા ત્રણનો સ્ટેમ્પ લગાડવો પડે અને આ અરજી મામલતદાર કચેરીની ટપાલ વિભાગમાં આપવી પડે. બાદમાં જે-તે વિસ્તારના કસ્બા તલાટી પાસે જાય તલાટી કોમ્પ્યુટરમાંથી નકલ કાઢી તેની પર સિક્કો મારી અઠવાડિયામાં બે દિવસ દરમિયાન અરજદારો નકલ પૂરી પાડે એવો નિયમ બનાવ્યો છે.

અરજદારો કહે છે કે કોમ્પ્યુટરમાંથી એક જ મિનિટમાં નકલ નીકળતી હોય એના માટે એક સપ્તાહ સુધી રાહ જોવી પડે છે. તેમજ કોમ્પ્યુટરમાંથી નીકળતી નકલની નકલ ફી રૂપિયા પાંચ છે. જ્યારે આવી રીતે અરજી કરી નકલ મેળવવા જતા રૂપિયા દસ ચૂકવવા પડે છે. ઘણી વખત અરજદારને ઉતાવળ હોય ત્યારે નકલ આપનારા રૂપિયા 50થી 100 પણ પડાવી લેતા હોય છે.

અરજદારો કહે છે કે તમામ રેકોર્ડ કોમ્પ્યુટરમાં છે તો પછી પ્રજાને સરળતાથી નકલ મળે તે માટે અધિકારીઓએ આગળ આવવું જોઈએ. પરંતુ અહીંયા અરજીની સિસ્ટમ બનાવી છે જેના કારણે અરજદારોને ધક્કે ચડે છે. તેની સાથે સાથે મામલતદાર કચેરીમાં કામ કરતા કર્મચારીઓને પણ આ નકલોના કામમાં સમય બગાડવો પડતો હોય છે. ગ્રામ્ય વિસ્તારની નકલો નાગરિક સુવિધા કેન્દ્રના કર્મચારીઓ તરત કાઢી આપતા હોય છે. તો પછી શહેરની પ્રજાને નકલો મેળવવા માટે આમ ધક્કે શા માટે ચઢાવવામાં આવે છે? એ પ્રશ્ન મહત્વનો બન્યો છે. ઉચ્ચ અધિકારીઓ નડિયાદ શહેરની પ્રજાને નાગરિક સુવિધા કેન્દ્રમાંથી સરળતાથી તરત નકલ મળે તેવી વ્યવસ્થા ગોઠવી આપે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...