રોષ:સાબરમતી કાંઠે સંરક્ષણ દીવાલ ન બનાવાય તો ખેડૂતો આંદોલન કરશે

ખેડા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડાના કલોલીના ખેડૂતોની રજૂઆત : પૂરથી કિનારાની જમીનોમાં પાક ધોવાયો

સાબરમતી નદીના કાંઠે આવેલા ખેડા તાલુકાના કલોલી, નાની કલોલી, પથાપુરા જેવા ગામમા ઉપરવાસના વરસાદને લઇને પાણી છોડવામાં આવતા નદી કિનારાની જમીનોમાં ઉગેલ પાક ધોવાઇ જતા નુકસાન ઉઠાવવાની વારી આવી હતી. છેલ્લા 10 વર્ષની અંદર 200 વિધા ખેડૂતોની જમીન નદીમાં ગરકાવ થઇ હતી. અગાઉ 2017 નદીમાં ભારે પુરને કારણે મોટા ભાગની જમીનોનું ધોવાણ થયું હતું.

જ્યારે પણ પાણી આવે ત્યારે નદી સિમ વિસ્તાર નજીક આવી રહ્યો હોઇ સરકાર દ્વારા ખેડૂતોને નાની કલોલી થી પથાપુરા સિમ વિસ્તાર સુધી સંરક્ષણ દીવાલ બાંધી આપવામાં આવે તો વર્ષો જૂની સમસ્યાનો નિકાલ આવી શકે તેમ છે. 2017માં સાબરમતી નદીમાં પુર આવતા જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યએ સ્થળ મુલાકાત લીધા બાદ ગામના ખેડૂતોએ લેખિત અને મૌખિકમાં સંરક્ષણ દીવાલને લઈને ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજદિન સુધી પરિણામ મળ્યું ન હતું.

જેને કારણે આ વર્ષે નદીમાં પાણી આવતા ડાંગરના પાકને ભારે નુકસાન થતા અને જમીનોમાં ધોવાણ થતા ગામના લોકોને ફરી એકવાર નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. જેને કારણે ખેડૂતો દ્વારા સંરક્ષણ દીવાલને લઈને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેમાં કલોલી, નાની કલોલી, પથાપુરા અને રઢુ ગામના 200 થી વધારે ખેડૂતો દ્વારા સંરક્ષણ દીવાલ અંગે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...