સમાજમાં દહેજનુ વધતુ જતુ દૂષણ ચિંતાની સપાટીએ છે. આવા દૂષણને કારણે કેટલા સુખી સંસારનો માળો વીખરાયો છે. મહેમદાવાદની દીકરી આવા દૂષણનો આજે ભોગ બની છે. તેણીને પોતાના સાસરિયાઓ ત્રાસ આપતા પીડિતાએ ન્યાય મેળવવા મહેમદાવાદ પોલીસનો સહારો લીધો છે. વડોદરા કોર્ટમા ક્લાર્કની નોકરી કરતા પીડિતાના પતિએ પત્ની સાથે ઝઘડો કરી 10 તોલા સોનું, કારની માંગણી કરતા સમગ્ર મામલે પીડિતાએ મહેમદાવાદ પોલીસના દ્વાર ખખડાવી પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે.
મહેમદાવાદમાં રહેતી અને એમ.એ.બી.એડ થયેલી 35 વર્ષીય શિક્ષિત યુવતીના લગ્ન ગયા વર્ષે એપ્રિલમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે રહેતા યુવક સાથે સમાજના રીતી રીવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ પરિણીતા પોતાના સાસરે ગઈ હતી. થોડા જ સમયમાં તેના પતિને વડોદરા સ્થિત નામદાર કોર્ટમાં ક્લાર્ક તરીકે નોકરી મળતા તે પોતાના સાસુ-સસરા સાથે વડોદરા વાઘોડિયા સ્થાઈ થયા હતા. બાજુમા પીડીતાના કાકા સસરા પણ રહેતા હતાં.
થોડા દિવસો સારું રાખ્યા બાદ પીડિતાના કાકા સસરાએ પીડિતાના પતિની ખોટી રીતે ચડામણી કરી જમવાનું બનાવવાની બાબતે તેમજ ઘરનાં કામકાજ બાબતે ઝઘડો કરવા લાગતા હતા અને ગત 30મી સપ્ટેમ્બર 2021ના રોજ તેણીના પતિએ જણાવ્યું કે, ચાલ આપણે બંન્ને મહેમદાવાદ ખાતે તારા મા-બાપને મળીને આવીએ છીએ. તેમ કહી પીડિતાને તેનો પતિ મહેમદાવાદ લાવ્યો હતો.
આ બાદ તેણીના મા-બાપને દિકરીને કામકાજ કઈ નથી આવડતું તેમ કહી ચર્ચાઓ કરી હતી. આજ દિવસે પીડિતાના ઘરના સભ્યો કોઈ કારણસર બહાર ગયેલા તે દરમિયાન તેના પતિએ તેણીની સાથે ઝઘડો કરી અપશબ્દો બોલી માર માર્યો હતો અને જણાવ્યું હતું કે, તારા મા બાપ દસ તોલા સોનુ અને ગાડી આપે તો પાછી આવજે તેવું જણાવી તેના પતિ જતો રહ્યો હતો.
જે બાદ પતિ ડોકિયુ ન કરતા આ સમગ્ર મામલે ન્યાય મેળવવા પીડિતાએ મહેમદાવાદ પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે તેના પતિ, સસરા અને સાસુ (તમામ રહે. મુળ નસવાડી, જિ. છોટાઉદેપુર, હાલ રહે. વાઘોડિયા ચોકડી,વડોદરા) અને કાકા સસરા (રહે. વાઘોડિયા ચોકડી,વડોદરા) સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 498(A), 323, 504, 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.