નડિયાદ શહેરમાં પત્નીએ પતિ પર કરેલા ભરણપોષણના કેસનો ખાર રાખી પતિએ ફાયરિંગ કરી પત્નીની હત્યા નિપજાવતા ચકચાર મચી છે. ફાયરિંગ કર્યા બાદ પણ પતિ અટક્યો ન હતો અને જમીન પર ઢળી પડેલી પત્ની પર ક્રુરતાપૂર્વક એક્ટિવા ફેરવી દીધું હતું. આરોપી પોતાની ઓળખ ન થાય તે માટે હેલ્મેટ પહેરીને ગુનાને અંજામ આપવા આવ્યો હતો. જો કે, ભાગતી સમયે હેલ્મેટ પડી જતા આરોપી પતિની ઓળખ છતી થઈ ગઈ હતી. પોલીસે હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપી પતિને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે અને તેમના પાસેથી ગુનામાં વપરાયેલું હથિયાર કબજે કર્યું છે. આરોપી ફોરેસ્ટનો નિવૃત કર્મચારી હોવાનું જાણવા મળ્યું છે.
મૃતકે આરોપી પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો
આ બનાવની મળતી વિગત મુજબ નિમિષાબેન પરમાર દ્વારા તેમના પતિ રસિક પરમાર સામે ભરણપોષણનો કેસ કરવામાં આવ્યો હતો. આ કેસની આજે કોર્ટમાં તારીખ હતી. આ બાબતે જ ઉશ્કેરાઈને રસિક પરમારે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલી નવરંગ ટાઉનશિપ પાસે જાહેરમાં જ નિમિષા પર ફાયરિંગ કરી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ જમીન પર ઢળી પડેલી પત્ની પોતાના પાસે રહેલું એક્ટિવા ફેરવી દીધું હતું. ફાયરિંગનો અવાજ આવતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા. ગુનાને અંજામ આપી આરોપી પતિ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઓળખ છુપાવવા આરોપીએ હેલ્મેટ પહેર્યું પણ...
પત્નીની હત્યા નિપજાવવા આવેલો આરોપી પતિ રસિક પરમાર પોતાની ઓળખ ન થાય તે માટે હેલ્મેટ પહેરીને ગુનાને અંજામ આપવા આવ્યો હતો. હેલ્મેટ પહેરીને જ રસિકે મૃતક પર ફાયરિંગ કર્યું હતું અને એક્ટિવા ચઢાવી દીધું હતું. જો કે, ગુનાને અંજામ આપી જ્યારે રસિક ભાગી રહ્યો હતો ત્યારે તેનું હેલ્મેટ નીકળી જતા સ્થાનિક લોકોએ તેને ઓળખી કાઢ્યો હતો.
મહિલાના પરિવારજનોમાં આક્રંદ છવાયો
નવરંગ ટાઉનશિપ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો બનાવ બનતા લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. તો બીજી તરફ મહિલાનાં પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચતાં વાતાવરણમાં આક્રંદ છવાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી પતિની શોધખોળ હાથ ધરી છે. હાલ આ સમગ્ર બનાવ મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં છે. અને મરણજનાર મહિલાની માતાની ફરિયાદના આધારે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાથ ધરી છે.
હત્યારા પતિની ધરપકડ
આજે બનેલા હત્યાના બનાવમાં ડીવાયએસપી બાજપાયે જણાવ્યું હતું કે, આરોપી રસીક પરમારની ધરપકડ કરી દેવામાં આવી છે. હત્યા બાદ નડિયાદ પશ્ચિમ પોલીસ, નડિયાદ ટાઉન પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસમાં લગ્યા હતા. બાદમાં નડિયાદ ટાઉન પોલીસે આરોપી રસીક પરમારની સરદાર ભવન પાસેથી ધરપકડ કરી દેવાઈ છે. પતિ-પત્ની વચ્ચે ખાધાખોરાકી તેમજ મીલકત બાબતના ડખા ચાલતા હોય તેના કારણે આક્રોશમાં આવેલા પતિએ પોતાની પત્નીની ગોળી મારી હત્યા કરી દીધી છે. પોલીસે હથિયાર કબજે લીધું છે.જ્યારે એક રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાનુ અને આ ગોળી મહિલાને છાતીના ભાગે મારી હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.