ભાસ્કર એનાલીસીસ:ખેડા જિલ્લાનો બોર્ડનો ગ્રાફ, HSC, SSC બોર્ડની પરીક્ષામાં ખેડા કેટલો ખરો ઉતર્યો, કોરોના બાદ એજ્યુકેશનમા ખેડાનુ શિક્ષણ સ્તર નીચુ ગયુ?

નડિયાદ19 દિવસ પહેલા
  • મોંઘુ અને ખર્ચાળ શિક્ષણ વચ્ચે જ શિક્ષણનુ સ્તર સમગ્ર જિલ્લામાં નીચુ ગયુ જે ચિંતા જનક બાબત

બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. ગતરોજ SSCનુ પરીણામ જાહેર થયુ હતું. આ પહેલા HSC અને સાયન્સના બોર્ડના પરીણામો જાહેર થયા હતાં. આ તમામ પરીણામોના આકડાઓ ખેડા જિલ્લામા ચોંકાવનારો આવ્યા છે જે બતાવે છે કે કોરોના બાદ એજ્યુકેશનમા ખેડાનુ શિક્ષણ સ્તર ઘટ્યું છે. જોકે આમા ધો.12 સામાન્ય પ્રવાહમા 2020 કરતા ચાલુ વર્ષે 0.01 ટકા ઊંચું પરીણામ આવ્યું છે. તો બીજી બાજુ સાયન્સમા 2020ની તુલનામાં મોટો ઘટાડો છે અને SSCમા પણ 2019ની તુલનામા મોટો ઘટાડો નોંધાયો છે. જે શિક્ષણ સિંચન કરતી સંસ્થાઓ માટે મોટો ચિંતા જનક પ્રશ્ન છે.

કોરોના વૈશ્વિક મહામારીના કારણે શિક્ષણને પણ માઠી અસર પડી છે. તાજેતરમાં બોર્ડની પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. સૌપ્રથમ ધોરણ 12 સાયન્સ પ્રવાહનુ પરીણામ ગત 13 મેના રોજ જાહેર થયું હતું. જેમાં રાજ્યનુ 72.02% પરીણામ સાથે જિલ્લાનુ 59.88% પરીણામ આવ્યું હતું. મહત્વનુ છે કે જિલ્લાના આ પરીણામમા કોઈપણ વિદ્યાર્થી A1 ગ્રેડમા આવ્યું નહોતું. જે જિલ્લા માટે સરમજનક બાબત કહી શકાય છે. તો વળી ચાલુ વર્ષનુ પરીણામ 2020ની તુલનામાં જોઈએ તો 3.76% ઘટ્યું છે. વાત કરીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની તો આ પ્રવાહનુ પરીણામ 4 જુને જાહેર થયું હતું. જેમા રાજ્યનુ 86.91% પરીણામ સાથે ખેડા જિલ્લાનુ પરીણામ 79.15% આવ્યું હતું. 2020ની તુલનામાં માત્ર 0.01% પરીણામ ઊંચું આવ્યું હતું. તો આ સામાન્ય વધારો છેલ્લા 7 વર્ષ પછી આવ્યો છે. આમ સમગ્ર જિલ્લામાં શિક્ષણનો પાયો કથડી રહ્યો છે. જે આ આકડો સાબિતી પુરે છે.

ગતરોજ જાહેર થયેલા ધોરણ 10ના પરીણામમા રાજ્યનું 65.18% પરીણામ સાથે ખેડા જિલ્લાનું 56.71% પરીણામ જાહેર થયુ હતું.‌ તેમા પણ ખેડા જિલ્લાનો ક્રમાંક છેલ્લેથી બીજા ક્રમાંકે એટલે કે 33મા ક્રમે આવ્યો છે. ધોરણ 10ના જાહેર થયેલા પરિણામમાં જિલ્લામા 100% પરીણામ વાળી માત્ર 4 શાળા છે. જ્યારે 6 શાળાઓનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે. વર્ષ 2020મા 0 ટકા વાળી માત્ર 4 શાળા જ હતી.જે ચાલુ વર્ષે 6 શાળા એટલે કે 2 શાળાનો વધારો થયો છે. તો બીજી બાજુ વર્ષ 2020મા 100% પરીણામ વાળી 4 શાળા‌ હતી. જે ચાલુ વર્ષે 8 શાળા જ જાહેર થઈ છે. એટલે કે 4 શાળાનો વધારો થયો છે.

આમ‌ બોર્ડના પરિણામો જ બતાવે છે કે જિલ્લામાં શિક્ષણનું સ્તર દિનપ્રતિદિન કથળતું જાય છે. જે શૈક્ષણિક સંસ્થાઓ માટે ખુબ સરમજનક બાબત કહી શકાય છે. આ બોર્ડની પરીક્ષાનો ગ્રાફ જોતા શિક્ષણ ક્ષેત્રે ચિંતા જનક સપાટીએ ખેડા જિલ્લો હાલ ઊભો છે. મહત્વનુ છે કે પછાત જિલ્લાઓ દાહોદ, પંચમહાલ, ગોધરા, સુરેન્દ્રનગર વિગેરે જિલ્લાઓ કરતા પણ ખેડા જિલ્લાનુ શિક્ષણ સિંચન ખાડે ગયું હોય તેવો ચિતાર આ આકડઓ બતાવે છે. પછાત જિલ્લાઓમા પુરતી શિક્ષણની વ્યવસ્થા નથી, શિક્ષકોની ઘટ છે, ઉપરાંત પાયાની સુવિધાઓ પણ નથી મડી રહી તેવા જિલ્લાઓ કરતા પણ ખેડા જિલ્લામાં શિક્ષણનુ સ્તર કથડી રહ્યું છે. જિલ્લા શિક્ષણ વિભાગે આ માટે વધારે ઊંડી ઉતરી મહેનત કરવી પડશે ત્યારે આ ઘટેલું શિક્ષણનું સ્તર જિલ્લામાં ઊંચું આવશે તેમ જાગૃત નાગરિકો જણાવી રહ્યા છે.

કોરોના બાદ એજ્યુકેશનમા મોટો ઘરખમ ફેરફારો નોધાયા છે. જેમાં વિદ્યાર્થીઓને ભણવામાંથી રુચિ ઓછી થતી ગઈ છે. ખાસ કરીને ઓનલાઇન એટલે કે સ્માર્ટ એજ્યુકેશન સીસ્ટમથી સ્કોલર વિદ્યાર્થીઓથી લઈને તમામ વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફો પડી રહી હતી. આટલુ ઓછુ હોવા છતાં પણ ગત વર્ષે રાજ્ય સરકારે માસ પ્રમોશન આપી સ્કોલર વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા કર્યા હતા. જેના પરીણામે ચાલુ વર્ષે શિક્ષણનુ સ્તર સમગ્ર જિલ્લામાં ઘટ્યું છે. HSC, SSC બોર્ડના પરીણામોમા જિલ્લો નબળો રહેતા જિલ્લાની 350થી ઉપરાંતની શાળાઓ માટે ચિંતાજનક બાબત બની છે.

વિદ્યાર્થીઓ મોબાઇલના બંધાણી બની જતાં અભ્યાસમાથી રસરૂચિ ઓછી થતી ગઈ છે તેવુ તજજ્ઞો જણાવી રહ્યાં છે. જેના કારણે ખેડા જિલ્લાનુ શિક્ષણ સહિત રાજ્યનુ‌ શિક્ષણ કથડી રહ્યું છે. મોટેભાગના વિદ્યાર્થીઓમા ટેલેન્ટ હોવા છતાં પણ તેઓ આવી આદતોના કારણે બોર્ડમાં સારુ પરફોર્મન્સ લાવી શક્યા નથી. જે ખુદ વાલીઓએ પણ સ્વિકાર્યૂ છે. મોઘુ અને ખર્ચાળ શિક્ષણ વચ્ચે જ શિક્ષણનુ સ્તર નીચુ ઊતર્યું છે જે વાસ્તવિકતા દરેકે સ્વિકારવી રહી.

નડિયાદના શિક્ષણવિદે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ગતરોજ ધોરણ 10ના બોર્ડના પરિણામો તથા અગાઉ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામ જોતા જિલ્લામાં શિક્ષણ ખાડે ગયુ હોય તેવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે. આમાં માત્ર શિક્ષકોનો કે શિક્ષણ સંસ્થાઓનો વાંક ન કાઢી શકાય. આમાં સરકારી પરિબળો પણ મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. જેમ કે સરકારે કોરોનાના કપરા કાળમાં ગયા વર્ષે માસ પ્રમોશન આપી દીધું હતું. જેના કારણે આવી સ્થિતિ આગામી 3 વર્ષ સુધી જોવા મળશે તો નવાઈ નહીં રહે. કારણકે ગયા વર્ષે વિદ્યાર્થીઓ 9માંથી 10માં માસ પ્રમોશન મેળવી આવ્યા હતા. તે આવતા વર્ષે 11મા જશે અને પછી 12મા આવશે આમ સતત ત્રણ વર્ષ સુધી બોર્ડનું પરિણામ નીચી સપાટીએ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે.

બીજી બાજુ વાલીઓએ પણ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જિલ્લા સહિત રાજ્યમા શિક્ષણ કથડતુ જઈ રહ્યું છે. કોરોનાના કપરા કાળમાં જો માસ પ્રમોશન આપવાની સરકારની ઈચ્છા હોત તો શાળાઓની ફી શું કામ ભરાવી? આમાં કેટલાક વાલીઓએ પેટે પાટા બાંધી પોતાના સંતાનોને ભણાવવા ફી ભરી છે. એક બાજુ ધંધો-રોજગાર ઠપ્પ હતા તો બીજી બાજુ સ્કૂલની ફી ભરવા માટે વાલીઓમાં દબાણ કરવામાં આવતુ હતું. આ કેટલા અંશે યોગ્ય કહેવાય.

સમગ્ર મામલે ખેડા જિલ્લાના શિક્ષણાધિકારી શીલ્પાબેન પટેલે પોતાના પ્રતિભાવ આપતા દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત વર્ષે કોરોનાના કારણે માસ પ્રમોશન આપવામાં આવેલું હતુ. તેમજ ઓનલાઇન શિક્ષણ વધુ હતું અને ઓફલાઇન શિક્ષણ ખૂબ જ ઓછું હોવાને કારણે જિલ્લામા પરણીમા ઓછુ મળ્યું છે. અમારો અગાઉથી જ પ્લાનિંગ તો હતો જ આમ છતાં પણ ચાલુ વર્ષે ધોરણ 10નું પરિણામ ખૂબ જ ઓછું આવ્યું છે. આ સાથે સાથે ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ10 કરતા થોડુ પરિણામ સારું આવ્યું છે. અમે તજજ્ઞ શિક્ષકોની ટીમ બનાવી તેઓની સાથે મિટિંગ કરી એજ્યુકેશન મામલે માઈક્રો પ્લાનિંગ કરીશું અને આવતા વર્ષે આ ગ્રાફ ઊંચો આવે તેવી કામગીરી કરીશું.

અન્ય સમાચારો પણ છે...