ખેડા તાલુકાના કલોલી ગામે ગૌચર અને સરકારી જમીન માંથી ભુમાફિયાઓ માટીનું ખનન કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે. સ્થાનિક ભુમાફિયાઓ દ્વારા અત્યાર સુધી કલોલી ગામની ગૌચર અને સરકારી 100 વીઘા જમીનમાંથી લાખો ટન જેટલી માટી ઉલેચી ને જમીનોમાં મોટા મોટા ખાડા કરી દેવાયા છે.
છેલ્લા એક મહિનામાં જ ભુમાફિયાઓ દ્વારા મગરિયા ધરા વિસ્તારની આજુ બાજુમાં આવેલ ગૌચરની 35 થી 40 વીઘા જમીનમાં મોટા પાયે ખનન કરવામાં આવ્યું હતુ. જેને કારણે કલોલી ગામના ગૌચર જમીનો બીન ઉપયોગી બની રહી છે. કલોલીમાં અંદાજિત 500 વીઘા થી વધુ ગૌચર અને બિનાકારી જમીન આવેલી છે જ્યારે આજ દિન સુધીમાં 100 થી 200 વીઘા ગૌચર જમીનોમાં માટીનું ખોદકામ થઈ ગયું છે જેમાં મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે.
સ્થાનિક તંત્ર અને ખાણ ખનીજ વિભાગ દ્વારા કલોલી ગામના ગૌચરની માપણી કરી ચકાસણી કરવામાં આવે તો ખૂબ મોટા પાયે માટી ખનનનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. છેલ્લા એક વર્ષથી ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી ના થઈ હોવાથી ગામમાં વહીવટદાર શાસન છે. જેના કારણે ભુમાફિયાઓ દિવસે ને દિવસે બેફામ બનતા જઇ રહયા છે. બીજી બાજુ આ બાબતે ખાણ ખનીજના અધિકારીઓ પણ ધોર નિંદ્રા માં હોય તેવું લાગી રહ્યું છે. દિવસ અને રાતે ડમ્પરો કલોલી, નાયકા,પથાપુરા રોડ ઉપર માટી ભરીને દોડી રહ્યા છે.
અમને માહિતી મળી છે, કાર્યવાહી કરીશું
આ બાબતે અમને માહિતી મળી છે. જેને લઈને તલાટીને સ્થળ ઉપર મોકલી આપવામાં આવ્યા છે. સ્થળની ચકાસણી કરીને ખાણ ખનીજ વિભાગના અધિકારીને આ બાબતે રિપોર્ટ કરી આપવામાં આવશે.> વિમલ ગઢવી, ટીડીઓ, તાલુકા પંચાયત
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.