ખેડા જિલ્લાના વસોમાં સમાજને કલંકિત કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ચાર દિવસ પહેલા પરણેલી યુવતીના હૈયું કંપાવી નાખે તેવા કારસ્તાનથી લોકો આશ્ચર્ય ચકિત થયા છે અને આ યુવતી પર ફીટકાર વરસાવ્યો છે. આ પરિણીત યુવતી પોતે અશક્ત હોવાથી વસો CHC સેન્ટર પર સારવાર કરાવવા ગઈ હતી. આ દરમિયાન સેન્ટરના ટોઈલેટમા તેણીએ આઠ માસના બાળકને જન્મ આપ્યો હતો અને આ પાપ છુપાવવા તેણીએ તાજા જન્મેલા બાળકને ટોઇલેટમા અર્ધ પાણી ભરેલી ડોલમાં ત્યજી દીધું હતું. આ કિસ્સો ઉજાગર થતા આ પરિણીત યુવતી પકડાઈ ગઈ છે. વસો પોલીસે યુવતી સામે આઇપીસી 318 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
વસો તાલુકાના સિહોલડીમાં રહેતી 20 વર્ષિય યુવતી બુધવારે વસો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અશક્તિની સારવાર કરવા માટે ગઈ હતી. આ દરમિયાન તેણીએ લેડિઝ ટોયલેટમાં જઈ અધૂરા માસે એટલે કે આઠ મહિનાના બાળકને જન્મ આપ્યો હતો. તેણી ગભરાઈ જતાં તેણે પોતાનું પાપ છુપાવવા હૈયું હચમચાવી દે તેવુ કારસ્તાન આચાર્યુ હતું. આ યુવતીએ પોતાની કૂખે જન્મેલા બાળકને ટોઇલેટમા પાણી ભરેલી અર્ધ ડોલમાં મૂકી ફરાર થઈ ગઈ હતી.
આ બાબતે સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફને જાણ થતા તેમણે વસો પોલીસને જાણ કરી હતી. પીએસઆઇ રાઠોડ સ્ટાફ સાથે વસો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી ગયા હતા અને મુત નવજાત શિશુનો કબજો મેળવ્યો હતો અને સામુહિક આરોગ્ય કેન્દ્રના ભીષ્મ કનૈયાલાલની ફરિયાદના આધારે યુવતી સામે આઈપીસી કલમ 318 મુજબ ગુનો દાખલ કરી ગણતરીના જ કલાકમાં ભાગી યુવતીને પકડી પાડી હતી. જોકે, તેની ડિલિવરી થઈ હોય તેની તબિયત હાલ નાજુક હોવાથી તેણીને વસો સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે રાખવામાં આવી છે.
આ સમગ્ર મામલે તપાસ કરતા વસો પોલીસે જણાવ્યું છે કે, 20 વર્ષિય યુવતીના લગ્ન 4 દિવસ પહેલા જ થયા છે. બાદમા તેણીએ પોતાને અશક્તિ આવી ગઈ હોય દવા કરાવવા માટે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આવી હતી. ત્યાં ટોઇલેટમા બાળકને જન્મ આપ્યા બાદ તેને છોડી ફરાર થઈ હતી. થોડા દીવસ આરામ કરી સાસરીમાં જવાની ગણતરી હતી. જોકે, તેની આ ગણતરી ખોટી પડી છે. વધુમાં જણાવ્યું છે કે, લગ્નના સમય પહેલા અગાઉ કદાચ કોઈની સાથે સંબંધ બંધાયા હોય અને ગર્ભ રહ્યો હોય આ પાપ છુપાવવા માટે તેણીએ આ કારસ્તાન આચર્યુ હોવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. આ બાબતે હાલ તપાસ ચાલી રહી છે.
મહિલાનો DNA ટેસ્ટ થશે
મહિલા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. નવજાત ગર્ભ અંગે ડી.એન.એ ટેસ્ટ અને મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. મહિલા સાજી થઇ ગયા બાદ તેની અટકાયત કરવામાં આવશે. - હસમુખ રાઠોડ, પી. એસ. આઇ, વસો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.