ઉચાપત:મહુધાના મીનાવાડામા દૂધ મંડળીના પૂર્વ સેક્રેટરીએ 10.33 લાખની ઉચાપત આચરી

નડિયાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહુધા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

મહુધાના મીનાવાડામાં આવેલી દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં ફરજ બજાવતા માજી સેક્રેટરીએ પોતાની ફરજ દરમિયાન હંગામી તેમજ કાયમી ઉચાપત મળી રૂપિયા 10.33 લાખનો ડેરીને ચૂનો ચોપડ્યો છે. ઓડિટ દરમિયાન આ બાબત ધ્યાનમાં આવતા જિલ્લા રજીસ્ટાર કચેરી દ્વારા ચેરમેનને આ બાબતની ફરિયાદ નોંધાવવા હુકમ કરતાં દૂધ મંડળીના ચેરમેને આજે મહુધા પોલીસ સ્ટેશનમાં માજી સેક્રેટરી સામે ઉચાપતની ફરિયાદ નોંધાવી છે.

મહુધા તાલુકાના મીનાવાડા ગામે આવેલ દુધ ઉત્પાદન મંડળી મંડળીમાં સેક્રેટરી તરીકે ગામના કનુભાઈ રણછોડભાઈ સુથાર વર્ષ 2015થી 2020 દરમિયાન ફરજ બજાવતા હતા. હાલમાં તેઓ આ દૂધ મંડળીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. આ દૂધ મંડળીના સેક્રેટરી તરીકે તેઓ ફરજ બજાવતા હતા તે દરમિયાન તેમણે દુધ ઉત્પાદન મંડળીના રૂપિયા 10.33 લાખ પોતાના અંગત કામે વાપરી નાખ્યા હતા જો કે જેમાંથી થોડા રૂપિયા અલગ અલગ તારીખો માં દૂધ મંડળીમાં તેમણે જમા કરાવી દીધા છે. જોકે હજી પણ અન્ય નાણા ભરવાના બાકી રહ્યાં છે. જિલ્લા રજીસ્ટાર કચેરી દ્વારા આ દૂધ મંડળીનું ઓડિટ, થતાં માજી સેક્રેટરી કનુભાઈ રણછોડભાઈ સુથારે હંગામી તેમજ કાયમી ઉચાપત કરી હોવાનું બહાર આવ્યું હતું

જિલ્લા રજીસ્ટાર કચેરી દ્વારા મીનાવાડા દૂધ મંડળીના ચેરમેનને માજી સેક્રેટરી કનુભાઈ રણછોડભાઈ સામે ફરિયાદ નોંધાવવા હુકમ કરતાં પોલીસ મથકમાં ચેરમેન હિતેશભાઈ પરમારે દૂધ મંડળીના માજી સેક્રેટરી કનુભાઈ રણછોડભાઈ સુથાર સામે રૂપિયા 10.33 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ મહુધા પોલીસ મથકે નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...