ખેડા જિલ્લાના કઠલાલ માતર તેમજ મહુધા પંથકમાં રાત્રી સમયે ઉડતા ડ્રોનને લઈ પ્રજામાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષકે પ્રજાને કોઈ ખોટી અફવામાં ન આવવા તેમજ ગભરાટ કે ડર ન રાખવા જણાવ્યું છે. તેમજ આ બાબતની સંપૂર્ણ તપાસ થશે તેની ખાતરી પણ આપી છે.
ખેડા જિલ્લામાં છેલ્લા દસેક દિવસથી કઠલાલ માતર મહુધા તેમજ અન્ય તાલુકામાં રાત્રી સમયે આકાશમાં ડ્રોન ઉડતા હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, જેના પગલે પ્રજામાં ગભરાટ જોવા મળ્યો છે. શરૂઆતમાં લગ્ન પ્રસંગના કારણે શૂટિંગ કરવા માટે આ ડ્રોન ઉડાવવામાં આવતા હોવાની વાત હતી. પરંતુ મોડી રાત સુધી આ પ્રવૃત્તિ ચાલતી હોવાથી પ્રજામાં કોઈ અઘટિત ઘટના બનવાની દહેશત સેવાઇ રહી છે.
જેના પગલે આજે જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે આ મુદ્દે કોઈએ કોઈ ખોટી અફવાઓ નહીં માનવી. પોલીસને રાત્રી સમયે ડ્રોન ઉડતા હોવાના મેસેજ મળ્યા છે, પોલીસે જઈને તપાસ કરી છે. ઘણી ખરી જગ્યાએ પ્રજાએ લીધેલા વીડિયોમાં પ્લેન હોવાની શક્યતા છે. જો કે ઘણા વીડિયોમાં ડ્રોન જોવા મળે છે. આ બાબતે પોલીસ સંપૂર્ણ તપાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.