દિવા તળે અંધારા જેવો ઘાટ:ગામડાઓના વિકાસની ગુલબાંગો વાતો વચ્ચે નડિયાદની દવાપુરા પંચાયત જર્જરિત હાલતમાં, ભાડાના મકાનમાં કાર્યરત કરાઈ

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રીના જિલ્લામાં જ આવી પરિસ્થિતિ
  • પંચાયતનું મકાન ખૂબજ દયનીય હાલતમાં, સ્લેબ પરથી પોપડા પડે છે
  • સ્લેબના સળિયાઓ દેખાવા લાગ્યા, મકાનની દીવાલોમાં પણ તિરાડો પડી ગઇ

ખેડા જિલ્લામાં 'દિવા તળે અંધારા' જેવો ઘાટ સર્જાયો છે. કારણ કે ગ્રામ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રીના જિલ્લામાં જ અમૂક ગામોમાં પંચાયત ઓફિસ ખુબજ જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. નડિયાદ પાસેના દવાપુરા ગામે પંચાયત ઓફિસ જર્જરિત હાલતમાં હોવાથી તેને અન્ય સ્થળે ખસેડી કામગીરી કરવામાં આવી રહી છે. જેથી ગ્રામ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રીના જિલ્લામાં જ આવી પરિસ્થિતિ હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

નડિયાદ તાલુકાના નાનકડા ગામ એવા દવાપુરા ગામે ગ્રામ પંચાયતનું મકાન ખૂબજ દયનીય હાલતમાં છે. અહિંયા સ્લેબ પરથી પોપડા પડે છે. સ્લેબના સળિયાઓ પણ દેખાવા લાગ્યા છે. જેથી મોટી જાનહાનિ ન સર્જાઈ તે‌ માટે પંચાયત કચેરીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવી છે. ભાડાના મકાનમાં આ કચેરી છેલ્લા એક વર્ષથી કામગીરી કરવામાં આવી રહી છે. આ પંચાયત આસપાસના બે ગામો એરડીયાપુરા, જોરપુરનો પણ સમાવેશ થાય છે. ઘણા વર્ષોથી ગ્રામ પંચાયત મકાન ભયજનક હાલતમાં છે. ઉપરાંત મકાનની દીવાલોમાં પણ તિરાડો પડી ગઇ છે. જેના કારણે પંચાયત મકાનમાં જીવનું જોખમ હોવાથી અહિંયા કોઈ કર્મચારી બેસવા તૈયાર થતા નથી.

એક બાજુ ગ્રામ પંચાયતમાં કોઈ આવકનું સાધન નથી ત્યારે બીજી બાજુ દર મહિને પંચાયતના મકાનનું ભાડું ચૂકવવાનું યક્ષ પ્રશ્ન ઉભો થયો છે. આવા તો ખેડા જિલ્લામાં અનેક ગામોમાં પંચાયત કચેરીનો‌ પ્રશ્ન હશે? નોંધનીય છે કે ગ્રામ અને ગૃહ નિર્માણ વિભાગના મંત્રીના જિલ્લામાં જ આવી સ્થિતિ છે તો સમગ્ર રાજ્યની શું વાત કરાય એવી વાતો લોકમુખે ચર્ચાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...