નડિયાદના જૂના બિલોદરામાં એક જ ગામના અને એક જ જ્ઞાતિના બે લોકો બાખડી પડ્યા હતા. ખાણીપીણીની લારી પર માથાકૂટ થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આ બનાવ સંદર્ભે નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી જવા પામી છે.
નડિયાદ તાલુકાના જૂના બિલોદરા ગામે ગઇકાલે શુક્રવારે નજીવી બાબતે માથાકૂટ થઇ હતી. જેમાં નડિયાદ રૂરલ પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાઇ જવા પામી છે. આ પૈકી મનુભાઈ છત્રસિંહ સોઢાની ફરિયાદમાં જણાવાયું છે કે તેઓ ગામના કુંડાળા વિસ્તારમાં ગયા હતા અને ત્યાં કિશનભાઇ નટુભાઈ સોઢાની સમોસાની લારી પર ચાર નંગ સમોસા માગ્યા હતા. જો કે કિશનભાઇએ આ સમોસા આપ્યા નહોતા. તો સામે મનુભાઈએ તમે અમોને કેમ સમોસા ન આપો અમે તેના પૈસા આપવાના છે કહેતાં કિશનભાઇએ અપશબ્દો બોલ્યા હતા અને નજીકમાં શરબતની લારી ચલાવતા અશ્વિન અર્જુનભાઈ સોઢા તથા ઉપરાણું લઇ આવેલા જગદીશ અર્જુનભાઈ સોઢા અને રાહુલ ભગુભાઈ સોઢાએ મનુભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. આથી આ બનાવ સંદર્ભે મનુભાઈએ ઉપરોક્ત ચારેય વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સામાપક્ષે કિશનભાઇ નટુભાઈ સોઢાની ફરિયાદમાં જણાવાયું છે કે તેઓ લારી ચલવી ગુજરાન ચલાવે છે. ગઈકાલે ગામના મનુભાઈ છત્રસિંહ સોઢાએ તેમની સમોસાની લારી ઉપરથી સમોસા તથા બાજુની લારીથી શરબતના ગ્લાસ માંગ્યા હતા. જે નહીં આપતા મનુભાઈએ તેમને ગાળો બોલી માર માર્યો છે અને સમોસાની લારી તથા બાજુના શરબતની લારીને ઊંધી કરી નાખી સરસામાનને નુકસાન કર્યું હતું. આથી કિશનભાઈ સોઢાએ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં મનુભાઈ સોઢા સામે ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.