ટિકિટ ચેકર પર હુમલાનો પ્રયાસ:મહેમદાવાદ રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકરે મુસાફર પાસે ટિકિટ માગી તો બોલાચાલી કરી પથ્થર મારવાનો પ્રયાસ કર્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર મામલે ટિકિટ ચેકરે નડિયાદ રેલવે પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી

ટ્રેનમાં ટિકિટ ચેકર પર હુમલાઓના કિસ્સાઓ વધી રહ્યા છે. મહેમદાવાદ રેલવે સ્ટેશન ઉપર શાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા જતાં ઈસમ‌ પાસેથી ટિકિટ ચેકરે ટિકિટ માંગતા બોલાચાલી થઇ હતી. જેમાં આવેશમાં આવેલા ઈસમે ટિકિટ ચેકરને પથ્થર મારવાની કોશિશ કરી હતી. સમગ્ર મામલે ટિકિટ ચેકરે નડિયાદ રેલવે પોલીસ મથકે માર મારવાની કોશિશ કરનાર અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે.

મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે રહેતા 43 વર્ષીય પીન્ટુ શ્રીરામદયાલ દેતવાલ પોતે રેલવેમાં ઇન્દોર હેડ ક્વાટર ખાતે રતલામ ડિવિઝનમા DYCTI તરીકે ફરજ બજાવી રહ્યાં છે. ગત 23 મેના રોજ તેઓ શાંતિ એક્સપ્રેસ ટ્રેનમાં ગાંધીનગરથી ઇન્દોર સુધી ફરજ ઉપર હતા. આ દરમિયાન ટિકિટ ચેકિંગનુ કામ કરતા હતા. આ દિવસે રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ આ ટ્રેન મેમદાવાદ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી.

આ સમયે એક અજાણ્યો ઈસમ 25થી 30 વર્ષના આશરાનો ટ્રેનની ઓફ સાઇડમાંથી ટ્રેનમાં ચડેલો હતો. ત્યાં હાજર ટિકિટ ચેકર પીન્ટુ દેતવાલે આ અજાણ્યા ઈસમને અટકાવી તેની પાસે ટિકિટ માગી હતી. જોકે આ વ્યક્તિ તરત જ તેના બીજા દરવાજાથી ઉતરી ગયો હતો અને ટિકિટ ચેકરને ગાળો બોલવા લાગ્યો હતો. ઉપરાંત નીચેથી પથ્થર લઈ ટિકિટ ચેકરને મારવાની કોશિશ કરી હતી. આ દરમિયાન ટ્રેન ચાલુ થતાં ટ્રેનના દરવાજા પાસે આવી ટિકિટ ચેકરને લાત મારવાની કોશિશ કરી હતી. આ મામલે ટિકિટ ચેકર પીન્ટુ દેતવાલે CMI કંટ્રોલ વડોદરાને કરી હતી અને આ સમગ્ર મામલે નડિયાદ રેલવે પોલીસમાં તેઓએ અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી 332, 504 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...