'વર્લ્ડ બાઈસિકલ ડે' વિશેષ:કોરોના મહામારી બાદ નડિયાદીઓ સાઇક્લિંગને લઈને વધુ સક્રિય બન્યા, કહ્યું, "આ એક જ કસરતથી અમને થાય છે ઘણા બધા ફાયદા"

નડિયાદ23 દિવસ પહેલા
  • રોજ 20 મિનિટ સાઇક્લિંગના છે ઘણા ફાયદા, જાણીએ સાઇક્લિંગ કરી પોતાને ફીટ રાખતા નડિયાદીઓની વાત
  • કોરોના બાદ લોકો સ્વાસ્થ્યને લઈને વધુ ચિંતિત બન્યા, જેનાથી સાઇકલના વેચાણમાં વધારો થયો : વેપારીઓ
  • 'નડિયાદ રાઇડર્સ' ગ્રુપના લોકો 30થી 35 કિમીનું ડેસ્ટીનેશન નક્કી કરી રોજ સવારે સાઇક્લિંગ કરે છે

એક સમય હતો કે જ્યારે સાઇકલની બોલબાલા રહેતી, ક્યાંય પણ જવું હોય તો સાઇકલ લઈને પેડલ મારી નીકળી પડતા. જો કે ટુ-વ્હિલર અને ફોર વ્હિલરના સમયમાં સાઇકલનું સ્થાન માત્ર મોજશોખ માટે અને હેલ્થ-ફિટનેસ પુરતું સિમિત બન્યું હતું. પરંતુ કોરોના મહામારીએ લોકોની અન્ય આદતોની સાથે તેમની ફિટનેસની આદતોને પણ બદલી, અને તેથી જ મહામારીના સમય બાદ લોકોની સાઇક્લિંગની આદતમાં વધારો થયો, જેના કારણે સાઇકલના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

આજે 3 જૂન એટલે કે 'વિશ્વ બાયસિકલ ડે'. આજે સાઇકલના ચાહકો આ દિવસની વિશેષ ઉજવણી કરશે. ગામડાઓમાં આજે પણ કેટલાક શ્રમજીવીઓ પોતાની રોજીરોટી મેળવવા સાઇકલ લઇને જતાં જોવા મળે છે, જો કે મોટેભાગે હવે શ્રમજીવીઓ પણ સમયની સાથે બદલાયા છે અને દ્વિચક્રી વાહનોને પોતાની જરૂરિયાત મુજબ ફેરવી ગુજરાન ચલાવી રહ્યા છે. હાલ ટુ-વ્હિલર અને ફોર વ્હિલર એટલી હદે વધી રહ્યા છે કે પ્રદુષણનો મોટો પડકાર સર્જાયો છે. જો કે એક્સીલેટરના આ જમાનામાં પણ સાઇકલે પોતાનું સ્થાન જમાવી રાખ્યું છે.

"કોરોના બાદ લોકો સ્વાસ્થ્યને લઈને વધુ ચિંતિત બન્યા"
સાઇકલના વેચાણ-ધંધા સાથે સંકળાયેલા નડિયાદના વેપારી વિપુલભાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સાઇકલનું વેચાણ માર્કેટ પહેલા કરતા અત્યારે સારું છે. પોતાની ફિટનેસ જાળવી રાખવા લોકો સાઇકલની ખરીદી કરી રહ્યા છે. તો બીજી બાજુ બાળકોમાં પણ સાઇકલનું ચલણ વધ્યું છે. કોરોનાના સમય પહેલા સાઇકલ પ્રત્યે લોકોને અણગમો હતો. પરંતુ કોરોના બાદ લોકો સ્વાસ્થ્યને લઈને વધુ ચિંતિત બન્યા, જેના બેનીફિટથી સાઇકલના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. આ ઉપરાંત અગાઉ સાઇકલ ખરીદવા આવતા લોકો મિડિયમ રેન્જમાં જ સાઇકલ ખરીદતા હતા. હાલ વિવિધ પ્રકારની સાઇકલો ઉપલબ્ધ હોવાથી ઉંચી કિંમતની સાઇકલ ખરીદતા લોકો અચકાતા નથી.

સાઇકલની સવારીથી થતા ફાયદાઓ
રોજ માત્ર 20 મિનિટનું સાઇક્લિંગ હાર્ટ હેલ્ધી રાખે છે અને બ્રેઇન પાવરમાં વધારો કરવામાં મદદરૂપ થાય છે. ઉપરાંત ફેટ ઘટાડવામાં, સ્ટ્રેસ દૂર કરવામાં, મસલ્સ સ્ટ્રોન્ગ બનાવવામાં, ઈમ્યૂનિટી વધારવામાં અને ઉંમરની અસર ઓછી કરવામાં પણ સાઇક્લિંગ મદદરૂપ થાય છે. તો ઈંધણના ખર્ચમાં પણ ઘટાડો થાય છે, જેના કારણે નાણાંની પણ બચત થાય છે. ઉંચકાયેલા પેટ્રોલ-ડીઝલના ભાવ વચ્ચે જો આપણે આર્થિક અને શારીરિક રીતે ફિટ રહેવું હોય તો સાઇક્લિંગ રોજ કરવી જોઈએ. કોરોના મહામારી બાદ સાઇકલના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. આ મહામારી પછી લોકો પોતાના સ્વાસ્થ્ય અંગે ચિંતિત બન્યા છે. જેના કારણે સાઇકલના વેપારમાં તેજી જોઈ શકાય છે. આ સ્થિતિ એકંદરે પૂરા ગુજરાતમાં છે.

'નડિયાદ રાઇડર્સ' ગ્રુપના લોકો બે વર્ષથી અલગ અલગ ડેસ્ટિનેશન નક્કી કરી સાઈક્લિંગ કરે છે
'નડિયાદ રાઇડર્સ' ગ્રુપના લોકો બે વર્ષથી અલગ અલગ ડેસ્ટિનેશન નક્કી કરી સાઈક્લિંગ કરે છે

નડિયાદમાં 'નડિયાદ રાઇડર્સ' નામનું ગ્રુપ ચાલી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી આ ગ્રુપના લોકો જુદી જુદી જગ્યાએ ડેસ્ટિનેશન નક્કી કરી સાઈક્લિંગ કરી રહ્યા છે. સોમવારથી શનિવાર લગભગ 30થી 35 કિલોમીટર વચ્ચેનું ડેસ્ટિનેશન નક્કી કરી આ ગ્રુપના લોકો સાઇક્લિંગ કરી રહ્યા છે. જ્યારે રવિવારના ખાસ દિવસે ગ્રુપ દ્વારા 50 કિલોમીટરના અંતર વચ્ચે સાઇક્લિંગ કરવામાં આવે છે. જેમાં 20 વર્ષના યુવાનથી લઈને 50 વર્ષ સુધીના વ્યક્તિઓ સાઇક્લિંગમાં જોડાય છે.

વધતી જતી સાઇક્લિંગની આદતોની સાથે તેનું વેચાણ પણ વધ્યું
વધતી જતી સાઇક્લિંગની આદતોની સાથે તેનું વેચાણ પણ વધ્યું

"સાઇક્લિંગના કારણે સ્વાસ્થ્ય સારું જળવાય છે"
નડિયાદમાં 'નડિયાદ રાઇડર્સ' નામની સાઇક્લિંગ ચેઈન શરૂ કરનારા ગ્રુપના જય પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, અમે છેલ્લા બે વર્ષથી સાઈકલિંગ કરી રહ્યા છે. મેં જ્યારે શરૂઆત કરી ત્યારે હું સોલો રાઈડ કરતો, નડીયાદથી ભુમેલ હું એકલો જ સાઇક્લિંગ કરતો હતો. સમય સાથે લોકો જોડાતા ગયા અને આજે અમે લગભગ 24થી 25 લોકો ડેઈલી સવારે નક્કી કરેલા ટાઈમે વાણીયાવાડ સર્કલ ભેગા થઈએ છીએ અને ત્યાંથી નક્કી કરેલા સ્થળે સાઇક્લિંગ કરવા જઈએ છીએ. આ વર્ષના 365 દિવસનો અમારો નિત્યક્રમ છે. શરીરની ફિટનેસ માટે તેમજ માનસિક રીતે સ્વસ્થ રહેવા દરરોજ સવારે કોઈ ડેસ્ટિનેશન તૈયાર કરી અમે સૌ ગ્રુપના લોકો નીકળી જઈએ છીએ. કોરોનાની મહામારી બાદ લોકોએ પોતાની ફિટનેસ પ્રત્યે સભાનતા કેળવી છે અને આ રીતે સાઇક્લિંગ કરવાથી પૂરા દિવસના માનસિક તણાવથી મુક્તિ મળે છે, જેના કારણે સ્વાસ્થ્ય સારું જળવાય છે.

રોજ સવારે એક જગ્યા નક્કી કરી ગ્રુપના તમામ લોકો સાઇકલ લઇ નીકળી જાય છે
રોજ સવારે એક જગ્યા નક્કી કરી ગ્રુપના તમામ લોકો સાઇકલ લઇ નીકળી જાય છે

"સાઇક્લિંગનો સમય મારા દિવસનો સૌથી બેસ્ટ સમય"
નડિયાદ રાઇડર્સ નામના ગ્રુપમાં શામેલ ભાવેશ રાઠોડ પોતાના અનુભવો શેર કરતાં દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ એક વર્ષ અગાઉ જ્યારે આ ગ્રુપમાં જોડાયા હતા ત્યારે તેમનો મુખ્ય હેતુ ફક્ત હેલ્થ ફિટનેસનો હતો. પરંતુ એક ગ્રુપ બનતાં અને એના બાદ સૌએ સાથે ગ્રુપમાં સાઇક્લિંગ કરતાં એક અનોખા વાતાવરણની મજા મળી રહી છે. વહેલી સવારે લગભગ એકથી દોઢ કલાક અમે સૌ ફિઝિકલની સાથે સાથે મેન્ટલી એક્સરસાઇઝ પણ આ સાઇક્લિંગ દ્વારા કરી રહ્યા છીએ. આ સમય મારા દિવસનો સૌથી બેસ્ટ સમય હોય છે. નગરના લોકો પણ આ સાઇક્લિંગમાં જોડાય અને પોતાના સ્વાસ્થ્યને જાળવે તેવી તેમણે અપીલ કરી છે.

કોરોનાની મહામારી બાદ લોકોએ પોતાની ફિટનેસ પ્રત્યે સભાનતા કેળવી
કોરોનાની મહામારી બાદ લોકોએ પોતાની ફિટનેસ પ્રત્યે સભાનતા કેળવી

"બાઇસિકલ ડેની ઉજવણી એક આંદોલનની જેમ થવી જોઇએ"
આ ગ્રુપ સાથે સંકળાયેલા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં કામ કરી રહેલા રિતેશકુમાર સિંઘે કહ્યું કે દરરોજ સાઇક્લિંગ કરવાથી કેટલીક બીમારીઓથી આપણે દૂર રહીએ છીએ. હું દરરોજ સાઇક્લિંગ કરું છું ‌તો મારો ખાસ અનુભવ એ રહ્યો કે અમે જ્યારે સાઇક્લિંગ કરીએ છીએ ત્યારે ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મોટાભાગના લોકોમાં ટ્રાફિકના રૂલ્સની જાગૃતતા ન હોવાનું દેખાય છે. માટે અમારે જ કાળજીપૂર્વક સાઇક્લિંગ કરવી પડે છે. જો કે આ બાબતે જાગૃતતા લાવવા આ ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં કેમ્પેઇન હાથ ધરવામાં આવશે. સાઇક્લિંગ કરવાથી અમે સૌ નેચરની સાથે રહીએ છીએ. વધુમાં 'વર્લ્ડ બાઇસિકલ ડે'ની ઉજવણી આંદોલનની જેમ ઉજવવી જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.

"એક કસરતથી મળે છે જુદા-જુદા ત્રણ ફાયદા"
આ ગ્રુપ સાથે સંકળાયેલા અને દરરોજ સાઇક્લિંગ કરી રહેલા ડોક્ટર અર્ચના પરીખે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે સૌ કોઈ વાર નજીકના ડેસ્ટિનેશનની પસંદગી કરતા હોય એ ભલે 5 કિમી હોય, પરંતુ આ 5 કિમીને 50 કિમીમાં ફેરવી અમે આ સ્થળે જતાં હોઈએ છીએ. જેની મોજ કંઈક જુદી હોય છે. તબિબ ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાથી તેમણે લોકોના સ્વાસ્થ્ય માટે જણાવ્યું હતું કે, સાઇક્લિંગ એ એક પ્રકારની સંપૂર્ણ કસરત છે. જેનાથી શરીરના તમામે તમામ અંગોને કસરત મળે છે. સાઇક્લિંગ કરવાથી હાર્ટનું આયુષ્ય વધે છે, મગજને પણ તેજ બનાવે છે તો ઉત્સાહને પણ વધારે છે. આમ એક જ કસરતથી ત્રણ જુદા-જુદા ફાયદાઓ મળે છે.

અન્ય સમાચારો પણ છે...