શંકાસ્પદ પદાર્થનું રહસ્ય ઘેરાયું:ચરોતરમાં આણંદ બાદ ખેડામાં અવકાશમાંથી ગોળા જેવો પદાર્થ પડ્યો, તપાસ માટે ઇસરોની મદદ લેવાનો નિર્ણય

નડિયાદ3 મહિનો પહેલા
  • ગોળાકાર પદાર્થથી કોઈને નુકસાન ન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો
  • લોકોને અફવાઓ ન ફેલાવવા અપીલ કરવામાં આવી

ગુરુવારે આણંદ જિલ્લામાં અલગ અલગ ત્રણ સ્થળ પરથી ગોળા જેવો અવકાશી પદાર્થ મળી આવ્યા બાદ આજે ખેડા જિલ્લામાંથી ગોળા જેવો પદાર્થ મળ્યો હતો. બે જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી શંકાસ્પદ પદાર્થ મળી આવતાં તંત્રએ ઈસરોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. પ્રાથમિક તપાસમાં આ પદાર્થ સેટેલાઈટમાંથી છૂટો પડેલો ભાગ હોવાનું અનુમાન છે.

પ્રત્યક્ષદર્શી.
પ્રત્યક્ષદર્શી.

ત્રણ દિવસમાં બે જિલ્લામાંથી ગોળા જેવો પદાર્થ મળ્યો
સમગ્ર ચરોતર પંથકમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી અવકાશમાંથી રાત્રિ સમયે મોટા ગોળા જેવો પદાર્થ પડવાની ઘટનાઓ બની રહી છે. આણંદ જિલ્લા બાદ ગત રાત્રે ખેડા જિલ્લામાં પણ આવી ઘટના બની છે. નડિયાદ તાલુકાના ભૂમેલ ગામની સીમમાં આવેલા પોલ્ટ્રી ફાર્મના ખુલ્લા વિસ્તારમાં ગત રાત્રે લગભગ બે-અઢી વાગ્યાની આસપાસ એક ગોળાકાર જેવો પદાર્થ અહીં ખાબક્યો હતો.‌ મધરાત બાદ ધડામ કરતો અવાજ આવતાં પોલ્ટ્રી ફાર્મમા સૂઇ ગયેલા મહેન્દ્રભાઈ પટેલ ભરઊંઘમાંથી જાગી ગયા હતા.અને દરવાજો ખોલી જોતાં ખુલ્લામાં એક ગોળાકાર પદાર્થ પડ્યો હતો, જેમાંથી ધુમાડો પણ નીકળતો હતો. ભયભીત થયેલા મહેન્દ્રભાઈએ તરત પોતાના ઘરમાં ઘૂસી ગયા હતા. થોડીવાર બાદ પણ અહીં આવતાં આજ સ્થિતિ હતી.

વહેલી સવારે મહેન્દ્રભાઈએ આ વાતની જાણ ગામના સરપંચને કરી હતી, આથી સરપંચે ઘટનાસ્થળે જઇ ચકલાસી પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી સ્થળ તપાસ કરી અવકાશી પદાર્થનો કબજો લઇ ચકલાસી પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી હતી અને બીજી બાજુ આ અંગેની જાણ એફએસએલને કરી હતી. આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી, ખાનકૂવા અને દાગજીપુરા બાદ નડિયાદ નજીક ભૂમેલ ગામમાં આવી ઘટનાઓ છેલ્લા બેચાર દિવસથી અવારનવાર બનતાં લોકોમાં કુતૂહલ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

પદાર્થનું રહસ્ય ઉકેલવા ઈસરોની મદદ લેવાશે
ત્રણ દિવસથી આકાશમાંથી વરસી રહેલા ગોળા જેવા શંકાસ્પદ પદાર્થની તપાસ માટે ઈસરોની મદદ લેવાનો નિર્ણય કર્યો છે. ઈસરોની તપાસ બાદ શંકાસ્પદ પદાર્થના રહસ્ય પરથી પડદો ઊંચકાય તેવી શક્યતા છે.

શંકાસ્પદ પદાર્થ અંગે અફવા ન ફેલાવવા કલેકટરની અપીલ
ઉમરેઠ તાલુકાના જીતપુરા, ખાનકૂવા અને દાગજીપુરમાંથી ગુરુવારના બપોરે અવકાશમાંથી પડેલા ગોળાએ જિલ્લામાં કુતૂહલ અને ચર્ચાનું ચકડોળ ઊભું કર્યું છે. અચાનક ઉપરાછાપરી પૃથ્વી પર પડેલા આ અવકાશી ઉપકરણ શું છે ? અને એ કેવા ઉપગ્રહોનો ભંગાર છે કે પછી કોઈ વિદેશી દુશ્મનોની ચાલ આ વિશે નુકકડ ચર્ચાઓએ જિલ્લામાં અફવાઓનું બજાર ગરમ કર્યું છે. આ પરિસ્થિતિની ગંભીરતા સમજતા કલેકટર અને પોલીસ વિભાગે સંયુક્ત કવાયત હાથ ધરી છે. આ અંગે આણંદ કલેકટર મનોજ દક્ષિણીએ જાહેર જનતાને આ અંગેની કોઈ ખોટી માહિતી કે અફવાઓ અને ગભરામણની વાતોથી અંતર રાખવા અપીલ કરી છે.

આણંદ કલેકટર મનોજ દક્ષિણીએ જણાવ્યું હતું કે ગુરુવારે ઉમરેઠ તાલુકાના જીતપુરા, ખાનકૂવા અને દાગજીપુરમાં અવકાશી પદાર્થ પડ્યો હતો,.જે ગોળાકાર આકાર ધરાવતો પદાર્થ 5થી 6 કિલો વજન ધરાવતો હતો. ચીમનભાઈના ખુલ્લા ખેતરમાં તેમજ અન્ય ખુલ્લી જગાઓમાં પડેલા આ પદાર્થને લઈ કોઈ જાનહાનિ કે નુકસાન નથી થયું. જેથી પ્રજાજનોએ કોઈ ગભરાવાની જરૂર નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અંગેનું પંચ રોજકામ કરાવી એફ.એસ.એલ ટીમ સાથે વસ્તુની ખાતરી કરવામાં આવી છે તેમજ અમે પી.આર.એલ અને ઇસરોના પણ સંપર્કમાં છીએ. આ અવકાશી પદાર્થ કોઈ સેટેલાઈટનો ભાગ છે કે પછી રોકેટનો હિસ્સો છે એ અંગે તજજ્ઞો સાથે ચકાસણી કરાવી પ્રજાજનોને ચોક્કસપણે જણાવીશું, પરંતુ હાલ આ કોઈ વિસ્ફોટક પદાર્થ નથી તેમજ આ કારણે તેનાથી કોઈ નુકશાન થયું નથી, તેથી કોઈપણ પ્રકારે પ્રજાજનોએ ગભરાવાની જરૂર નથી.