ખેડા જિલ્લાના નડિયાદ પંથકમાં રહેતા એક યુવક અને યુવતી આકસ્મિક રીતે ટ્રેન નીચે કપાઇ જતા ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. નડિયાદ નજીકના સિલોડ ગામની ફાટક પાસે આ ઘટના બની છે. મૃતક યુવક- યુવતીની ઓળખ થતાં આ સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે સીઆરપીસી 174 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
નડિયાદ તાલુકાના સિલોડ ગામ નજીકથી અમદાવાદ-મુંબઈને જોડતી રેલવે લાઈન પસાર થાય છે. 9 મે ના રોજ સવારના સમયે ઉપરોક્ત સિલોડ ગામની ફાટક પાસેથી એક યુવક અને એક યુવતીના ટ્રેન નીચે કપાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ રેલવે પોલીસ અને નડિયાદ ગ્રામ્ય પોલીસને થતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે આ બંને યુવક-યુવતીની ઓળખ છતી કરતા યુવતી નડિયાદ તાલુકાના અરેરા ગામની હોવાનું જાણવા મળ્યું છે. જેનુ નામ ઉર્વશીબેન ઉર્ફે પુનમ જયંતીભાઇ પટેલ (ઉ.વ.25, રહે અરેરા, તળપદ ફળીયુ તા.નડીયાદ) અને મૃતક યુવાનનુ નામ નિર્મળભાઈ વિનુભાઇ સોલંકી (ઉ.વ.33, રહે.મોટી સીલોડ , ચોગાળ ફળીયું, તા.નડિયાદ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બંનેના મૃતદેહને કબજે લઇ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે તીર્થ જયંતીભાઈ પટેલની ફરિયાદના આધારે અપમૃત્યુનો ગુનો નોંધ્યો છે. પોલીસની તપાસમાં કોઈ કારણસર રેલવે ફાટક નજીક રેલવેના પાટા ઉપર રેલવે અકસ્માતમાં કપાઇ ગયા હોવાનું પોલીસસૂત્રો તરફથી જાણવા મળે છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઉપરોક્ત મરણ જનાર યુવક પોતે પરિણીત છે અને તે પોતે રિક્ષા ફેરવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જ્યારે યુવતી પોતે અપરણીત હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધને લઇ આપઘાત કર્યો હોવાનું પોલીસ વર્તુળોમાંથી માહિતી મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.