વરસાદી માહોલમાં ખેડા હાઇવે પર આવેલા વડાલાપાટિયા તરફથી વડાલા જવાના રસ્તા પર મસમોટા ખાડાઓના સામ્રાજ્યને કારણે રસ્તો સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યો હતો. તથા ખાનગી કંપની દ્વારા રસ્તાના સાઈડમાં ખોદવામાં આવેલા ખાડાઓને કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. સોમવારે ખાડાને લીધે રોડની બાજુમાં એક ટેંકર ઉતરી જવા પામી હતી. તંત્ર દ્વારા રસ્તાને સરખા કરવામાં આવે તેવી માંગ રહીશો દ્વારા કરવામાં આવી હતી.
ખેડા તાલુકાના વડાલા હાઇવે પાટિયા થી વડાલા ગામ જવાના રોડ ઉપર મસમોટા ખાડાઓના કારણે સંપૂર્ણ રોડ પાણીમાં ગરકાવ થયી જવા પામ્યો હતો. સાંકળા રોડ પર રોડની બંને સાઈડમાં પાણીના નિકાલ માટેની ગટરો હતી જે ખાનગી કંપનીઓ દ્વારા પુરી નાખીને દીવાલો ચણી લેવામાં આવતા વરસાદી પાણીનો નિકાલ થવા પામ્યો ન હતો. જેને કારણે પાણી રોડ ઉપર ભરાઈ રહે છે, પાણી રોડ ઉપર ભરાઈ રહેવાના કારણે મોટા ખાડાઓ પડી જવા પામ્યા હતા.
હાલમાં એક બાજુ રોડમાં ખાડાઓ છે, બીજી બાજુમા જેટકો કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ લાઇન નાખવા માટે આવા ચોમાસામાં વીજ ખોદીને ખાડાઓ કરવામાં આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. વડાલા પાટીયા થી વડાલા ગામ વચ્ચે ત્રણ કિલોમીટર જેટલું અંતર આવેલું છે.
માર્ગ અને મકાન પેટા પંચાયત માતર વિભાગ દ્વારા આ ખાડાઓ પુરવાની કોઈ પણ કાર્યવાહી હજુ સુધી હાથ ધરવામાં ન આવતા વરસાદ દરમ્યાન રોડ પર પડેલા મસમોટા ખાડાઓમાં પાણી મોટા પ્રમાણમાં ભરાઈ જવા પામ્યું હતું. આ પાણીનો કોઇ નિકાલ ન થવાને કારણે લોકો અકસ્માતનો ભોગ બનવા પામ્યા હતા. ઉપરાંત રાતના સમયે વાહન ચાલકો માટે આ ગંભીર બાબત ઉભી થવા પામી છે ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેની પહેલા આ બાબતે તંત્ર પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી હતી.
ખાડા પૂરાય તો અકસ્માત સર્જાતાં અટકાવી શકાય
વડાલા પાટિયાથી વડાલા ગામ સુધીનો રોડ ધોવાઈ ગયો હતો. જેને કારણે મોટા ખાડા પડી ગયા છે. જેથી વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ બાબતે સ્થાનિક રોડ વિભાગ દ્વારા ખાડા પુરવાની કામગીરી હાથ ધરવામાં આવે અને રોડની સાઈડમાં જે ચોમાસામાં કેબલ નાખવાની કામગીરી બંધ કરવામાં નહિ આવે તો અકસ્માત થવાની પુરેપુરી સંભાવનાઓ છે. - ગજેન્દ્રસિંહ ઝાલા, વડાલા સરપંચ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.