આગોતરૂ આયોજન:ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઇ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1 જૂનથી કંટ્રોલ કાર્યવાહી શરૂ કરવા તથા 15 જૂનથી તાલુકાઓમાં મોકડ્રીલ શરૂ કરવા જણાવાયું

ચોમાસાની ઋતુનુ આગામી માસથી આગમન થનાર છે. ત્યારે ખેડા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ માટેના આગોતરા આયોજન રૂપે કામગીરી કરવા આજે બેઠક મળી હતી. ચોમાસાની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર ઈન ચાર્જ અને ડી.ડી.ઓ મેહુલભાઈ દવેના અધ્યક્ષ સ્થાને તથા જિલ્લા નિવાસી અધિક કલેકટર બી. એસ, પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રી-મોન્સુન કામગીરીની સમિક્ષા બેઠક યોજાઇ હતી.

ઈનચાર્જ ક્લેક્ટરે સંબંધિત અધિકારીઓને પ્રોએક્ટીવ રહી તમામ કામગીરીનું સ્વમુલ્યાંકન કરી યોગ્ય આયોજન, ડિટેલીંગ, અને યોગ્ય રિપોટીંગ કરવા તાકીદ કરી હતી. વધુમાં તેમણે તાલુકાવાર પ્રિ-મોન્સુન પ્લાન બનાવવા અંગે જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવા, બચાવ કામગીરીના સાધનોને અપડેટ કરવા, નિચાણવાળા અને પુર અસરગ્રસ્ત ગામોની યાદી બનાવી જે તે વિસ્તારના લોકોને માહિતગાર કરવા સુચનો કર્યા હતા. આ ઉપરાંત પી.એચ.સી. સી.એ.ચસી તથા સ્થળાંતર કરવા માટે નક્કિ કરેલા સ્થળો ઉપર વીજ પુરવઠો ન ખોરવાય તથા ટેલીફોનીક સુવિધાઓ ન ખોરવાય તેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું સ્થળાંતર માટે નક્કિ કરેલા વાહન વ્યવસ્થા તથા ડ્રાઇવરોની યાદી તૈયાર રાખવા જણાવ્યું હતું.

આ સાથે જોખમી ઝાડની ડાળીઓ વિજળીના થાંભલા, તાર, જર્જરીત મકાનો, હોર્ડીંગને તાત્કાલીક દુર કરી નદી, નાળા, ખુલ્લી ગટરોને કચરા રહીત કરવા સંબંધિત અધિકારીઓને સુચનો કર્યાં હતા અનાજ પુરવઠો સુરક્ષિત રહે અને અગાઉથી જે તે સ્થળે પહોંચે તે જોવા ખાસ જણાવ્યું હતું, ચોમાસા દરમિયાન રોગચાળો ન ફેલાય તે માટે ફોગીંગ અને જંતુ નાશકોનો સ્પ્રે કરવા તથા ચોમાસા દરમિયાન જરૂરી દવાઓ, ઇન્જેક્શન કે વેક્સીનનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોય તે જોવા સંબંધિત અધિકારીને સુચનો કર્યાં હતા. આ ઉપરાંત જિલ્લા આરોગ્ય શાખાને કન્ટ્રોલરૂમ, ઇમરજન્સી સેવાઓ તથા ખાસ કરી સગર્ભા મહિલાઓની અલગ યાદી બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ જરૂરી લોકોના અપડેટેડ નામ-નંબરોની યાદી રાખવા સુચનો આપ્યા હતા. અંતે તેમણે 1 જુનથી કંટ્રોલ કાર્યવાહી શરૂ કરવા તથા 15 જુનથી તાલુકાઓમાં મોકડ્રીલ યોગ્ય રીતે શરૂ કરવા તમામ અધિકારીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...