ચાલુ ગાડીમાં આગ ભભૂકી:મહુધાના મંગળપુર પાસે કારમાં આગ લાગતાં અફડાતફડી, ચાલક સહિત કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ

નડિયાદએક મહિનો પહેલા
  • કારમાં અચાનક આગ લાગતાં કાર ચાલકે કારને રોડની સાઈડમાં અટકાવી
  • મહુધા પોલીસ ઘટનાસ્થળે દોડી, સ્થાનિકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો
  • આગના બનાવના કારણે રોડ ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો

એક બાજુ સમગ્ર રાજ્યમાં તાપમાનનો પારો ફરી ચડી રહ્યો છે. તો બીજી બાજુ ગરમીના કારણે આકસ્મિક આગના બનાવો વધી રહ્યા છે. ખેડા જિલ્લાના મહુધાના મંગળપુર પાસે ચાલુ કારમાં આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. જો કે કારચાલક સહિત કારમાં બેઠેલા વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.

મહુધા તાલુકાના મંગળપુર પાટીયા નજીક આજે ગુરૂવારે બપોરના સમયે પસાર થતી એક કારમાં એકાએક આગ લાગવાની ઘટના બની હતી. કારમાં અચાનક આગ લાગતાં કાર ચાલકે કારને રોડની સાઈડમાં અટકાવી હતી. કારના બોનેટના ભાગમાંથી ધુમાડાના ગોટેગોટા ઊડતાં કાર ચાલક ગભરાયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. કારચાલક સહિત કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવ થયો છે.

ઘટનાને પગલે મહુધા પોલીસના માણસોએ સ્થળ પર પહોંચી સ્થાનિકોની મદદથી કારમાં લાગેલી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. આ આગના બનાવના કારણે રોડ ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. તો વળી મોટી હોનારત ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...